હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લો અને દમણ, દાદરા નગર હવેલીમાંથી હજી પણ ચોમાસું ગયું નથી
અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થયો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. હાલ આ સિસ્ટમ વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા બની ગઈ છે. આ સિસ્ટમને કારણે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ચોમાસું હજી પણ ગયું નથી! કેટલા રાજ્યોમાં પડશે વરસાદ? હવામાન વિભાગની નવી આગાહી
આજે હવામાન ખાતાના, મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે નર્મદા, ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી, પોરબંદર, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આજે 9 જિલ્લા સાવધાન!, જાણો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
આ સાથે જ તેમણે આવતીકાલે, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે.
બે દિવસ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. 14 મી તારીખે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન ખાતાએ એમ પણ કહ્યું હતું કે, આગામી બે દિવસ હવામાન યથાવત્ રહેવાનું અનુમાન છે. જેના બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે.
રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 31.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 32 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લો અને દમણ, દાદરા નગર હવેલીમાંથી હજી ચોમાસું ગયું નથી. જો બે દિવસ સુધી આ પરિસ્થિતિ સારી રહે તો આખા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ જશે.