Vishabd | અડધા સૌરાષ્ટ્રમાં વરસાદની અછત ગુજરાતના બીજા વિસ્તારોમાં કેટલો વરસાદ અડધા સૌરાષ્ટ્રમાં વરસાદની અછત ગુજરાતના બીજા વિસ્તારોમાં કેટલો વરસાદ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
અડધા સૌરાષ્ટ્રમાં વરસાદની અછત ગુજરાતના બીજા વિસ્તારોમાં કેટલો વરસાદ

અડધા સૌરાષ્ટ્રમાં વરસાદની અછત ગુજરાતના બીજા વિસ્તારોમાં કેટલો વરસાદ

Team Vishabd by: Vishabd | 06:14 PM , 12 August, 2026
Whatsapp Group

ગુજરાત: દેશભરમાં વરસાદની સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોમાં સુધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત માટે ચોમાસાની સ્થિતિ હાલ સામાન્યથી સારી કહી શકાય તેવી છે. હવામાન વિભાગના 11 ઓગસ્ટ, 2026 સુધીના આંકડા મુજબ, ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 485.2 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળાનો સામાન્ય વરસાદ 471.9 મિમી છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 3 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

જુલાઈના અંતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યા બાદ ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. જોકે, હવે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. જોકે સમગ્ર ગુજરાતની સ્થિતિને એકસરખી ગણવી યોગ્ય નથી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદના પ્રમાણમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર વધુ રહી છે. વલસાડમાં 2530.7 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 75 ટકા વધુ છે. નવસારીમાં 2118.6 મિમી વરસાદ સાથે 65 ટકા વધુ, જ્યારે સુરતમાં 1425.7 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 59 ટકા વધુ છે. તાપીમાં પણ સામાન્ય કરતાં 26 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ હજુ પણ જોવા મળી રહી છે. અરવલ્લીમાં સામાન્ય કરતાં 34 ટકા, દાહોદમાં 35 ટકા અને સાબરકાંઠામાં નોંધપાત્ર ઘટ છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકામાં સામાન્ય કરતાં 86 ટકા, પોરબંદરમાં 68 ટકા, જામનગરમાં 52 ટકા, કચ્છમાં 49 ટકા, જૂનાગઢમાં 26 ટકા અને રાજકોટમાં 20 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ સારી છે. ખેડામાં સામાન્ય કરતાં 58 ટકા, ભરૂચમાં 46 ટકા, આણંદમાં 37 ટકા અને નર્મદામાં 18 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં પણ અત્યાર સુધી 526.9 મિમી વરસાદ થયો છે, જે સામાન્ય 436.2 મિમીની સરખામણીએ 21 ટકા વધુ છે. ગાંધીનગરમાં જોકે સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.આથી ગુજરાતનું ચોમાસું એકંદરે સામાન્ય સ્થિતિમાં હોવા છતાં જિલ્લાવાર વરસાદનું વિતરણ અસમાન છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાણી ભરાવા અને નદી-નાળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ સારા વરસાદની જરૂરિયાત છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ