Gujrat Weather Update: ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 30 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં બનેલા લો પ્રેશર બાદ હવે આ નવી સિસ્ટમને કારણે મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હાલમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ પ્રમાણમાં ઓછું નોંધાઈ રહ્યું છે. આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય માટે આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેશર છે, જે આગામી દિવસોમાં વધુ સક્રિય બનવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમના પ્રભાવથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે.
30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ 1 ઑગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
હવામાન વિભાગે લોકોને સત્તાવાર હવામાન અપડેટ પર નજર રાખવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને ભારે વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.
ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 12 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાતા વરસાદી સિઝન સરેરાશ કરતાં વધુ સક્રિય રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની મબલખ આવક થઈ રહી છે, રાજ્યમાં ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે અને જળાશયોની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે: