Heavy Rain Alert: હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસાની સિસ્ટમમાં થયેલા ફેરફારને કારણે ગુજરાતમાં વરસાદની દિશા બદલાઈ ગઈ છે, જેના પરિણામે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ વરસાદી સિસ્ટમ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ ફંટાઈ હોવાથી અમદાવાદ શહેર અને ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને મોરબી જેવા જિલ્લાઓમાં પણ આકાશી આફત જેવા તોફાની વરસાદી પવનો સાથે સાંબેલાધાર વરસાદ વરસવાની મોટી ભીતિ સેવાઈ રહી છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવાની સૂચના આપી દેવાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમોને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે.
રાજ્યમાં વરસાદની દિશા બદલાતાં હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત પર જળબંબાકારનું સંકટ ઘેરાયું છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તેમજ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને નદી-નાળાની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને કુલ 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં 17.13 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી શહેરમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો.