Gujrat Heavy Rain Alert: આવતકાલથી ગુજરાતમાં વરસાદનો નવો અને ભારે રાઉન્ડ શરૂ થવાની આગાહી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ અને પાંચ વરસાદી પરિબળોને કારણે આગામી 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થવાથી અને પાંચ મોનસૂન સિસ્ટમ ભેગી થવાથી વરસાદનું જોર વધશે. આ નવો રાઉન્ડ અત્યંત તોફાની સાબિત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
બંગાળની ખાડીમાં બનેલી મજબૂત વરસાદી સિસ્ટમ છત્તીસગઢ તરફથી દક્ષિણવર્તી થઈને ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમ મુખ્યત્વે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોને ઘમરોળશે. ગુજરાતમાં 30 જુલાઈથી વરસાદના બીજા રાઉન્ડની વિધિવત શરૂઆત થશે. આ સિસ્ટમ ઓગસ્ટ મહિનાની 3 અને 4 તારીખ સુધી રાજ્યમાં સક્રિય રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વરસાદી સિસ્ટમ છત્તીસગઢથી દક્ષિણવર્તી થઇ ગુજરાત પહોચશે. સિસ્ટમ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોને ઘમરોળશે.
હવામાન વિભાગે ખાસ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ૩૧મી જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આકાશી આફત સમાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ત્યારબાદ 1 ઓગસ્ટે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મુસળધાર વરસાદનું જોર અવિરતપણે યથાવત રહેશે.
દક્ષિણ અને મધ્ય ગુજરાત: દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં સૌથી વધુ અસર જોવા મળશે, જ્યાં અતિભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ તેમજ સમગ્ર કચ્છ ક્ષેત્રમાં મેઘરાજાની વ્યાપક મહેર જોવા મળશે.
ઉત્તર ગુજરાત: વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાનું અનુમાન છે.
આકાશી આફતના નવા તબક્કાને પગલે રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર હરકતમાં આવ્યું છે. તમામ સંબંધિત જિલ્લા કલેક્ટરો અને અધિકારીઓને કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. નીચાણવાળા અને પૂર સંભવિત વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને વિલંબ કર્યા વગર સાવચેતી રાખવા જણાવાયું છે. આ ઉપરાંત, સામાન્ય નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા સલાહ આપવામાં આવી છે.
હવામાનની સાથે જ્યોતિષીય દ્રષ્ટિકોણ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હાલ ધન રાશિ અને જળદાયક નક્ષત્રમાં ગ્રહોની સ્થિતિ હોવાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.