ગુજરાતમાં વરસાદને લઈ ફરી એક વખત હવામાન ખાતાની આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન ખાતા દ્વારા આગામી 7 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતો મુજબ હવામાન ખાતા દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનિય છે કે, ચોમાસાની વિદાયની વાતો વચ્ચે ફરી એક વખત વરસાદને લઈ આગાહી સામે આવી છે.
આ પણ વાંચો : ચોમાસાએ વિદાય લીધી?, જાણો હવે પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન?
હવામાન ખાતા દ્વારા આગામી 7 દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : વાવાઝોડાનો ખતરો! હવામાન વિભાગે ચોમાસાની વિદાય વચ્ચે ભારે વરસાદની કરી આગાહી
હવામાન ખાતાની આગાહી અનુસાર આજે આ 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં હળવા વરસાદ પડી શકે છે. જેમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ આ પાંચ જીલ્લાઓનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ વિસ્તારના 6 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના નિષ્ણાંત એ.કે. દાસના જણાવ્યા મુજબ ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હવે ઓમાન બાજુ જતી રહી છે. જેથી હાલ ગુજરાતમાં આ સિસ્ટમની અસર નહીં પડે. તેમણે વધુમાં એ જણાવ્યું છે કે આજે અમદાવાદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. જે સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. આગામી ચારથી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.
રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ છલોછલ ભરાય ગયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. લોધીકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો . જ્યારે થાનગઢમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત અન્ય 31 તાલુકાઓમાં 1 MM થી લઇ 20 MM સુધી વરસાદ નોંધાયો છે.