હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશના તમામ વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે.
ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસથી ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આ સાથે હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, 15 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તો બીજી બાજુ અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ આગળ વધીને હાલ ઓમાન પહોંચી ગઈ છે. જેથી તેની અસર હવે ગુજરાતમાં નહીં જોવા મળે. જોકે, હજી પણ બે દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી પાંચેક દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાંચો : અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, જાણો આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, વરસાદ લાવે તેવી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે અને તેના કારણે હવે રાજ્યમાં વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થવાની શરૂઆત થઈ જશે. હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ છે અને તેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની સંભાવના છે. એવી સંભાવના છે કે આ સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે.
આ પણ વાંચો : વાવાઝોડાનો ખતરો! હવામાન વિભાગે ચોમાસાની વિદાય વચ્ચે ભારે વરસાદની કરી આગાહી
આ સાથે જણાવીએ કે, આ સિસ્ટમ જો ગુજરાતની નજીક આવશે તો ફરીથી ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે. પરંતુ જો આ સિસ્ટમ ગુજરાતથી દૂરથી પસાર થઈ તો રાજ્યમાં તેની બહુ અસર જોવા મળશે નહીં. માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર દેખાઈ શકે છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે, 15 ઓક્ટોબરે (મંગળવારે) દેશના તમામ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. એટલે ગુજરાતમાંથી ચોમાસાએ અધિકારિક રીતે વિદાય લઈ લીધી છે.
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે મંગળવારે આપેલી જાણકારી મુજબ, ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના જિલ્લાઓ) માટે પાંચ દિવસ માટે છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે. જ્યારે તે પછી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આજે આખા ગુજરાતમાં ગાજવીજ થવાની પણ આગાહી છે.
એ.કે. દાસના જણાવ્યા મુજબ, ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હવે ઓમાન બાજુ જતી રહી છે. જેથી હાલ ગુજરાતમાં આ સિસ્ટમની અસર નહીં પડે. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલ પૂર્વિયથી દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી ચારથી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.