new forecast : હાલ તો ગુજરાતમાં વાદળો ક્યારેક દેખાઈ રહ્યાં છે તો ક્યારેક નથી દેખાતા. ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે તો વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ ૭ દિવસના વાતાવરણ અંગે અને હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા માર્ચ મહિના સુધીની આગાહી આપવામાં આવી છે. આ આગાહીઓ પરથી આપણે ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી જોઈએ.
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે મંગળવારે બપોરે આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં હવામાન સુકુ રહેશે. આગામી ૫ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન ધીરે-ધીરે ઊંચુ જશે. મંગળવારે પોરબંદર ૧૫.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડો જિલ્લો રહ્યો હતો. આ સાથે નલિયામાં ૧૬ ડિગ્રી સેલ્સિયસને પાર તાપમાન પહોંચ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં ૧૯ ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં ૧૯.૭ ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં ૧૮.૨ ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં ૧૭.૫ ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં ૧૯.૨ ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં ૧૭.૬ ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં ૧૯.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ૩૪ ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી સેલ્સિયસ જ્યારે રાજ્યમાં સૌથી વધુ ભાવનગરમાં મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ રહેશે. આ સાથે આજે લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ સાથે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ જવાની આગાહી કરવામાં આવી છે. હાલ તાપમાનમાં પરિવર્તન થઈ રહ્યું છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની જે હવા આવી રહી છે જેના બે દિશાના પવનથી આવેલી રહેલી હવા મિક્સ થવાના કારણે પવનો મિક્સ ફૂંકાઈ રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ઉપર છે. પવનની દિશાને કારણે તાપમાન થોડું વધારે છે. નોંધનીય છે કે, હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે સવારે હળવી ઠંડીનો અનુભવ થાય છે. બપોરના સમયે શુષ્ક હવામાન જોવા મળે છે.
આ પણ વાચો : વીજળીના ચમકારા સાથે ૪૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યોમાં અપાયું 'ભારે' એલર્ટ
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે. શિયાળામાં જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે પ્રમાણેનો આવ્યા છે. આપણા પૂર્વાનુમાન સાથે આ વખતે શિયાળો સારો જોવા મળ્યો છે. હવે ધીરે-ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. આ વિદાયની શરૂઆત ફેબ્રુઆરી મહિના સુધી ચાલશે. એટલે ફેબ્રુઆરી મહિનામાં તો ઠંડી રહેશે જ એવું લાગી રહ્યું છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પવનની વાત કરતા જણાવ્યું છે કે, આવનારા દસ દિવસમાં પવન અસ્થિરતાભર્યા રહેશે. પવનની દિશા વારંવાર બદલાતી રહેશે. અસ્થિરતાવાળા પવનોને કારણે આવનારા દિવસોમાં કસ કાતરા જોવા મળશે તો ક્યાંક ઘાટા વાદળો પણ જોવા મળશે અને ક્યાંક ઝાકળ વર્ષા પણ જોવા મળશે. પવનની સ્પીડ નોર્મલ નજીક રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, હાલ તાપમાન ઊંચુ ગયુ છે પરંતુ વચ્ચે વચ્ચે ઉત્તરના પવનો ફૂંકાવવાને કારણે રાત્રિના સમયે શિયાળા જેવો અહેસાસ થાય છે. જેના કારણે મિક્સ ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે. આવા મોસમમાં સમાજમાં શરદી ઉધરસ અને તાવની બીમારી પણ વધી છે.
આ પણ વાચો : શિયાળાની સિઝનની બીજી મજબૂત સિસ્ટમ સક્રિય થશે!, કરા સાથે વરસાદ ખાબકશે?, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં રાતના સમયે ઠંડીનો અહેસાસ થશે. ખાસ કરીને વહેલી સવારે પણ ઠંડીનો અહેસાસ રહેશે. દિવસનું તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. ત્યાર પછી ૩૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ ક્રોસ થઈ જશે. દક્ષિણ ગુજરાત અને દરિયા કાંઠા ઉપરાંતના મોટાભાગના વિસ્તારોમાં ૩૫ ડિગ્રી સેલ્સિયસથી તાપમાન વધારે રહેશે. ઉનાળા અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે, માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાથી સવારનું હોય કે રાતનું તાપમાન બંનેમાં ઉનાળા જેવું તાપમાન થઈ જશે. આ વખતનો ઉનાળો આપણને દઝાડવાનો છે એટલે હાઈ ટેમ્પરેચર માટે તૈયાર રહેજો. દર વખતની સરખામણીમાં ઉનાળો આ વખતે પણ થોડો વધારે આકરો જોવા મળશે. છેલ્લા એક દાયકાથી તાપમાન ઊંચુ રહે છે તેવું જ ઊંચું જોવા મળશે.