Gujarat weather : ગુજરાતમાં ડિસેમ્બર મહિનાની મધ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. સૌથી વધુ અસર નલિયામાં જોવા મળી રહી છે. આજે હવામાન ખાતા દ્વારા કચ્છમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે તે અંગેની હવામાન ખાતાની આજની આગાહી પર નજર કરીએ.
આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું!, અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેશે. આ સાથે 7 દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની આગાહી નથી. આ સાથે તેમણે ગુજરાતમાં ઠંડી વધવા પાછળના કારણ અંગે જણાવ્યું છે કે, "પવનની ગતિ 5 થી 10 નોટ સુધી છે જેમાં ચિલિંગ ફેક્ટર પણ છે. જેના કારણે ઠંડી લાગી રહી છે."
આ પણ વાંચો : પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી!, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે. નલિયામાં 7.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સાથે અમરેલીમાં 9.6 ડિગ્રી સેલ્સિયસ, મહુવામાં 10.9 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદર અને વડોદરામાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધ્યું હોય તેવું આંકડાઓમાં દેખાઈ રહ્યું છે.
ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશનની વાત કરીએ તો માઉન્ટ આબુમાં તાપમાન ફરીથી 2 ડિગ્રી નીચે રહ્યું છે. અરવલ્લીના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ખાતે આજે પણ માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફની ચાદર છવાઈ છે. પર્યટકો હાલ ત્યાં ઠંડીની મજા માણી રહ્યા છે.