Winter in Gujarat : અમદાવાદના હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની જોરદાર આગાહી કરી છે
ગુજરાતમાં હાલ મિક્સ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ઠંડી ધીરે-ધીરે વાતાવરણમાં જામી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આજે આપણે જોઈએ કે, આ સપ્તાહમાં ગુજરાતના હવામાનમાં કેવા-કેવા પલટા આવી શકે તેવી આગાહીઓ છે. અમદાવાદ હવામાન કેન્દ્ર અને જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.
આ પણ વાંચો : ઠંડી વચ્ચે હવામાન ખાતાએ કરી આ રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો ક્યાં રાજ્યોમાં પડશે વરસાદ?
અમદાવાદ હવામાન ખાતાએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે મિક્સ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને 2 દિવસ પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે લઘુત્તમ તાપમાન ઘટવાનું કારણ એ છે કે, પવનની દિશા બદલાશે, જેના કારણે સુકા અને ઠંડા પવન ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાન ઘટશે.
આ પણ વાંચો : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઇને કરી મોટી આગાહી, આ તારીખે પડશે હાડ થીજાવતી ઠંડી!
નોંધનીય છે કે, અડધો નવેમ્બર મહિનો પૂરો થયો છે. તેમ છતાં હજી પણ મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી સુધી ઊંચા છે. ગાંધીનગર, ડીસા, નલિયા, અમરેલી વગેરે શહેરોમાં શિયાળા દરમિયાન અન્ય શહેરો કરતાં તાપમાન નીચું રહેતું હોય છે. પરંતુ હજી તાપમાન ઘટ્યું નથી. હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
તો બીજી બાજુ જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, નવેમ્બર મહિનાના 17 દિવસ વિતવા છતાં હજી પણ ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ હવે ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. 20 થી 23 નવેમ્બરે ઠંડીનું જોર વધશે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, સવારમાં ઉત્તર ગુજરાતમાં ગરમ કપડાં પહેરવા પડશે. તેવી કડકડતી ઠંડી પડવાનું શરૂ થઈ જશે. 20 થી 23 નવેમ્બરમાં જોરદાર કડકડતી ઠંડી પડશે!, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, 22 નવેમ્બર પછી હવામાન સાનુકુળ ગણી શકાય. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડી પડશે. 6 થી 7 ડિસેમ્બરથી ઠંડા પવન ફૂંકાશે અને 22 ડિસેમ્બરે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 28 ડિસેમ્બરના રોજ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જો વાદળાં આવશે તો તાપમાન વધી જશે.