cold forecast : હાલ ધીમે-ધીમે શિયાળાની અસર દેખાઈ રહી છે. વહેલી સવારે વધારે ઠંડક લાગી રહી છે. જોકે, હવામાન ખાતાએ જણાવેલી આગાહી અનુસાર, ગુજરાતીઓને સ્વેટર અને ધાબળા કાઢવાનો સમય આવી ગયો છે. હવામાન ખાતાએ જાહેર કરેલા રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાક પછી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. જોકે, અમદાવાદમાં આજે સવારથી ઠંડકનું પ્રમાણ વધ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઘાતક આગાહી!, ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે વાવાઝોડાની પણ સંભાવના!
હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે સોમવારે આપેલી માહિતી મુજબ, ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ સુકું રહેવાની સંભાવના છે. રાજ્યમાં બે દિવસ વાતાવરણ યથાવત રહેશે. જ્યારે બે દિવસ પછી તાપમાનમાં ઘટાડો નોંધાશે. આ સાથે ગુજરાતનું હવામાન ચોખ્ખું રહેશે.
હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે હવામાન ઘટવા પાછળનું કારણ જણાવતા કહ્યું છે કે, હાલ ગુજરાતના પવનો ઉત્તર તરફના આવી રહ્યા છે. જેના કારણે ઠંડા પવનો આવશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં પવનો પૂર્વ તરફના છે. હવાની દિશા બદલાઈને ઉત્તર તરફ થશે, ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન ફૂંકાશે તે પછી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે.
આ પણ વાંચો : ગુજરાતમાં હવે ગુલાબી ઠંડી ક્યારે પડશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, સોમવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સાથે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. 2 દિવસ પછી તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ પછી ફરીથી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાનું અનુમાન છે.
હવામાન ખાતાએ (IMD) જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 1-2 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. અહીંના ખેડૂતો રવિ પાક માટે ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં સામાન્ય તાપમાન રવિ પાક પ્રમાણે નથી જેના કારણે ખેડૂતોએ વાવણીના કામ પર હાલ પૂરતું અટકાવી દીધું છે. જોકે, હવામાન ખાતા મુજબ, ગુજરાતના તાપમાનમાં ઘટાડો નોંધાશે જે પછી ફરીથી વધારો નોંધાશે.