Gujarat climate : ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીનું આગમન થવાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુરુવારે ફરીથી કેટલાક શહેરોમાં તાપમાન થોડું ઉંચુ ગયુ છે. હાલ ગુજરાતનું હવામાનમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. ક્યારેક તાપમાનમાં ઘટાડો થાય છે તો ક્યારેક તાપમાનમાં વધારો થાય છે. રાજ્યના પલટાતા હવામાન અંગે હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કેવી આગાહી કરી છે તે જોઈએ.
આ પણ વાંચો : ઠંડીનું કોઈ ઠેકાણું નથી! આગામી સાત દિવસ માટે હવામાન ખાતાની ભારે આગાહી!, ખેડૂતો ચિંતામાં
ગુરુવારે અમદાવાદના હવામાન ખાતાના ડાયરેક્ટર, એ.કે. દાસે આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની શક્યતા છે. જે પછી તાપમાનમાં કોઈ મોટો તફાવત ન આવવાની શક્યતા છે.
આખા ગુજરાતના તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યાં 11.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાએ જાહેર કરેલી માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 16 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 15.9 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 19.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 19.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 23 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો : કાતિલ ઠંડીનો ચમકારો!, ગુજરાતમાં થયું હળવું માવઠું?, જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી
વધુમાં હવામાન ખાતાના ડાયરેક્ટર, એ.કે. દાસે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ગુરુવારે અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. જે સામાન્યથી 3.8 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. અમદાવાદના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું કે, શહેરનું આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો, તેમણે જણાવ્યું છે કે, "અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના છે. 10 થી 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. આ સાથે તાપમાન 11 થી 12 ડિગ્રી સેલ્સિયસએ પહોંચી જશે."
આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું છે કે, 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની સંભાવના છે. 16 થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડશે.