ભારતીય હવામાન વિભાગ : ભારતીય હવામાન ખાતાએ શુક્રવારેના રોજ માહિતી આપી હતી કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં રચાયેલ ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કર્યું છે. આ વાવાઝોડાને 'ફેંગલ' નામ આપવામાં આવ્યું છે. આ તોફાન 30 નવેમ્બરના રોજ બપોરના સુમારે પુડુચેરી નજીક લેન્ડફોલ કરી શકે છે, પવનની ઝડપ પ્રતિ કલાક 90Km સુધી પહોંચવાની સંભાવના છે.
આ પણ વાંચો : શનિવારથી તાપમાનમાં ફરી થશે ઘટાડો!, જાણો હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચક્રવાતનું કેન્દ્ર હાલમાં ત્રિંકોમાલીથી લગભગ 330Km ઉત્તર-પૂર્વમાં, નાગાપટ્ટિનમથી 240Km પૂર્વ-ઉત્તરપૂર્વમાં, પુડુચેરીના 230Km પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 240Km દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વાવાઝોડું પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને 30 નવેમ્બરે બપોરના સમયે ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરી કિનારાની વચ્ચે કરાઈકલ અને મહાબલીપુરમ નજીક લેન્ડફોલ કરશે. આ સાથે પવનની ગતિ 60-70Km પ્રતિ કલાકની રહેશે અને "કેટલીકવાર તે 90Km પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
આ પણ વાંચો : ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લો પ્રેશર, વરસાદ પડશે!, અંબાલાલની ચિંતાતુર કરી દે તેવી આગાહી
ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપેટ, વિલુપ્પુરમ, કલ્લાકુરિચી, કુડ્ડાલોર, ચેંગલપટ્ટુ જિલ્લાઓ અને પુડુચેરીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાનીપેટ, તિરુવન્નામલાઈ, તંજાવુર, તિરુવરુર, માયલાદુથુરાઈ, વેલ્લોર, પેરામ્બલુર, અરિયાલુર, નાગપટ્ટિનમ જિલ્લાઓ અને કરાઈકલ પ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
પુડુચેરી સરકારે જાહેરાત કરી છે કે 29 અને 30 નવેમ્બરે બધીજ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. હવામાન ખાતાએ દરિયામાં તોફાન વધવાની ચેતવણી જારી કરી છે અને માછીમારોને દરિયાથી દૂર રહેવા અપીલ કરી છે.
દરિયાકાંઠાના સત્તાવાળાઓને લેન્ડફોલ નજીક સલામતીનાં પગલાં અંગે ઉચ્ચ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડે તમિલનાડુ અને પુડુચેરી નેવલ એરિયા હેડક્વાર્ટરના સહયોગથી ચક્રવાતની સંભવિત અસરોને ઘટાડવા માટે ડિઝાસ્ટર રિસ્પોન્સ મિકેનિઝમને સક્રિય કરી છે. અધિકારીઓએ નીચાણવાળા ભાગો અને દરિયાકાંઠાના ભાગોમાં રહેતા લોકોને સલામતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.