Monsoon July 2026: ગુજરાતમાં 8 જુલાઈ 2026 ના રોજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે, જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે.
ગુજરાતમાં ગઈકાલે ઘોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સુરત અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે હવામાન વિભાગે આજે નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે ભાવનગર, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે
સુરત જિલ્લાના પલસાણા સહિતના વિસ્તારોમાં ૧૭.૫ ઇંચ સુધીનો સાંબેલાધારે વરસાદ નોંધાયો છે. ગુજરાતના ૧૮૨ જેટલા તાલુકાઓમાં વરસાદી માહોલ છે.
ભારે વરસાદની આપત્તિ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરતના જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા 8 જુલાઈ 2026 (બુધવાર) ના રોજ સુરત શહેર અને તમામ નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, ખેડા, કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે
ગુજરાતના જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર,મુળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજના દરિયાકાંઠે 40-50થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોંકણ અને ગોવા નજીક 60-70થી 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપ નજીક 40-50થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, કચ્છ, પોરબંદર, વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતાવણી આપવામાં આવી છે.