Today Weather forecast:ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે અને તેની સાથે જ અનેક સ્થળોએ મુશ્કેલીઓ પણ સર્જાઈ રહી છે. આગામી 4 જુલાઈએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે.
આજે 4 જુલાઈ, 2026 ના રોજ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં જૂનાગઢના માંગરોળ પંથકમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતાં 22 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ આફતને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે અને ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
4 જુલાઈએ ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
વધુમાં, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ અને મહીસાગર જેવા છ જિલ્લાઓમાં યલો એલર્ટ છે, જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાત પર હવે મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. રાજ્યમાં અનેક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક (3 જુલાઈ સવારે 6 વાગ્યાથી 4 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી)માં 167 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે.
જૂનાગઢમાં ભારે વરસાદ: જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 22 ઈંચ અને માળિયા હાટીનામાં 14 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે પૂરને કારણે કૂલ 22 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે.
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ: પાટણ અને સરસ્વતીમાં 5 ઈંચથી વધુ, જ્યારે મહેસાણાના કડી અને જોટાણામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. નવસારી, ડાંગ (વઘઈમાં 13 ઈંચ) અને સુરતમાં પણ જળબંબાકારની સ્થિતિ છે.
ભારે વરસાદને લીધે નદીઓ તોફાની બની છે અને રાજ્યના 206 જળાશયોમાંથી 2 ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સુરક્ષા માટે નવસારી અને આસપાસના વિસ્તારોમાં SDRF ની ટીમો તૈનાત કરાઈ છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ સાથે 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.
માછીમારોને સૂચના: દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને ભારે પવનની શક્યતાને લીધે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.