Unseasonal rain : ભારતભરમાં હવામાનની સ્થિતિ સતત બદલાતી દેખાઈ રહી છે. વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ હવામાન જોવા મળી રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક વાવાઝોડું, તો ક્યાંક ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન ખાતા દ્વારા 5 નવેમ્બર સુધી દેશમાં સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ દિવાળી બાદ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 15 નવેમ્બર પછી સમગ્ર દેશમાં ઠંડીનો પ્રકોપ વધશે.
આ પણ વાંચો : ગરમી વધશે કે વરસાદ પડશે? જાણો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં હવામાન ખાતાના મતે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં સૂકું વાતાવરણ જોવા મળશે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિ દિવાળી સુધી જળવાઈ રહેશે. લોકો દિવસ દરમિયાન ગરમી અને રાત્રી દરમિયાન ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, દિવાળીના તહેવારો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 1 થી 7 નવેમ્બરના સમયગાળા દરમિયાન વાદળછાયા વાતાવરણની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારા વાવાઝોડાની અસરથી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના દ્વારા દિવાળી આસપાસ પણ વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : દિવાળી પર ક્યાં-ક્યાં ભારે વરસાદની શક્યતા? જાણો હવામાન વિભાગની આગાહી
વિશેષ આગાહીઓમાં, 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. 7 થી 14 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 17 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે અને 22 ડિસેમ્બરથી ગુલાબી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠાનું પ્રમાણ વધારે રહેશે અને માર્ચ મહિના સુધી રાજ્યમાં તીવ્ર માવઠું થઇ શકે છે!
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીના મત મુજબ, 31 ઓક્ટોબરે આવનારા દિવાળીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન ફેરફાર થઈ શકે છે. 30 થી 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આકાશમાં 5.5 Km ઊંચાઈએ કાળા ડિબાંગ વાદળો જોવા મળશે. બેવડી ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો જોવા મળી શકે છે. 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે!.