ગુજરાતમાં ભારે વરસાદ બાદ હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોય તેમ હળવોથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે.
બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે. ત્યારે આ સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે સોમવારે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે આ સપ્તાહના હવામાન અંગે જણાવ્યું છે કે, ‘ગુજરાત રીજનમાં (કચ્છ-સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો) આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનની વાત કરીએ તો, આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર રીજનના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. પાંચમાથી સાતમા દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રીજનમાં સૂકું વાતાવરણ રહેશે
અમદાવાદમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે, ‘આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.’ આ સાથે તાપમાનની વાત કરતાં શહેરનું તાપમાન 34 ડિગ્રી રહેવાનું અનુમાન છે. આ સાથે હાલ ગુજરાત પર કોઈ નવી સિસ્ટમ સર્જાઈ નથી રહી. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી.
તો બીજી બાજુ ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વધુ એક સિસ્ટમની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે.
જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ, ઝાપટાં પડશે. હજુ વરસાદ ગયો નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, “ત્યારબાદ 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્રમાં એટલે કે 10 થી 13 ઓક્ટોબરના બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જેના કારણે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થશે.