સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડી વધી રહી છે. આ સિઝનમાં પહેલીવાર નલિયાનું લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. જ્યારે અમદાવાદનું તાપમાન ગગળીને 13.2 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. આ સાથે રાજ્યમાં વહેલી સવારે અને રાતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન ખાતાએ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમ દર્શાવ્યું છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શનિવારે કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે, "આગામી સાત દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવના નથી. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની સંભાવના નથી."
આ પણ વાંચો : વરસાદ સાથે તીવ્ર ઠંડી પડશે!, પરેશ ગોસ્વામીએ કરી જોરદાર આગાહી, જાણો ક્યાં રહેશે કેવું તાપમાન!
જ્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, હાલમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા જ ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે અને હજી ઓછું થવાની શક્યતા છે.
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, સિઝનમાં પહેલીવાર નલિયાનું તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસએ પહોંચ્યું હતું. આ સાથે અમદાવાદનું લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસએ પહોંચ્યું હતું. રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થયો હતો. ગાંધીનગર પણ સિઝનમાં પહેલીવાર તાપમાન પણ ગગડી 13.5 ડિગ્રી સેલ્સિયસએ પહોંચી ગયું હતું. હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આજે અમદાવાદનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસની નીચે જવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર, હાલમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા જ ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળશે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠાના વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે. હિમયુક્ત પવનો હશે પરંતુ 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાન વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી!, જાણો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, "16 થી 22 ડિસેમ્બરના વાદળછાયું વાતાવરણ થશે એટલે ફરી ઠંડીમાં ઘટાડો થશે. 23 થી ડિસેમ્બરના અંત સુધી કાતિલ ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરી મહિનામાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ બનવાની સંભાવના રહેશે."
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, "અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે અને બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે. બંનેના ભેજના કારણે દક્ષિણ ગુજરાતમાં વાદળો આવશે. ક્યાંક છૂટાછવાયા છાંટા પડવાની પણ સંભાવના રહેશે."