વીજ ટાવર વળતરમાં વઘારો, કૃષિ મંત્રીનો મોટો નિર્ણય
ગુજરાત સરકારે ૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇન અને ટ્રાન્સમિશન ટાવર માટેના જમીન વળતરમાં ધરખમ વધારો કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઇટેન્શન લાઇનના વળતર અંગેની માંગણીઓનો સુખદ અંત આણતા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે.
મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી નિયમ મુજબ ખેડૂતોને વીજ લાઇન કે વીજ પોલ માટે સરકારી જંત્રીના બમણા દરે વળતર મળતું હતું. પરંતુ હવે જંત્રી આધારિત વળતર આપવાની આ જૂની વ્યવસ્થાનો અંત લાવવામાં આવ્યો છે. તેના બદલે, હવે ખેડૂતોને તેમની જમીનની વર્તમાન વાસ્તવિક બજાર કિંમત (માર્કેટ રેટ)ના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે.
જમીનની સાચી બજાર કિંમત નક્કી કરવા માટે ખાસમાર્કેટ રેટ કમિટી (MRC) ની રચના કરવામાં આવશે. આ કમિટી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કામ કરશે. વિવાદો ન થાય તે માટે આ કમિટીનું માળખું ખૂબ સંતુલિત રાખવામાં આવ્યું છે, જેમાં નીચે મુજબના સભ્યો રહેશે:
તમામ પક્ષો સામસામે બેસીને ચર્ચા વિચારણા દ્વારા જમીનની વાસ્તવિક કિંમત નક્કી કરશે,
ખેડૂતોના હિતમાં કરાયેલા અન્ય મહત્વના ફેરફારો
ટાવર બેઝ એરિયાની ગણતરીમાં વધારો: અગાઉ વીજ ટાવરના પાયાના વાસ્તવિક માપ (જેમ કે ૬૨૫ ચોરસ મીટર) પ્રમાણે જ વળતર મળતું હતું. હવે તેમાં દરેક બાજુએ વધારાના ૧ મીટરની ગણતરી ઉમેરીને ૭૨૯ ચોરસ મીટર લેખે વળતર અપાશે.
એકસાથે ૧૦૦% ચૂકવણું: અગાઉ વળતરની રકમ ફાઉન્ડેશન, ઇરેક્શન અને વાયરિંગ એમ ત્રણ તબક્કામાં (૪૦%, ૪૦%, ૨૦%) મળતી હતી. હવે નવી નીતિ હેઠળ ખેડૂતોને કામ શરૂ થતા પહેલા જ એકસાથે ૧૦૦% વળતર ચૂકવી દેવામાં આવશે.
કોરિડોર (RoW) માટે વળતર: વીજ લાઇનના રાઇટ ઓફ વે (RoW) કોરિડોર માટે ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના ૩૦%, નગરપાલિકા વિસ્તારમાં ૪૫% અને મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦% વળતર નક્કી કરાયું છે.
ચાલુ કામોને પણ લાભ: સરકારે વધુ એક રાહત આપતા જણાવ્યું છે કે, જે ખેડૂતોને જૂના નિયમો મુજબ વળતર મળી ચૂક્યું છે પરંતુ હજુ વીજ લાઇન નાખવાનું કામ પ્રગતિમાં (ચાલુ) છે, તેવા કિસ્સાઓમાં પણ ખેડૂતોને આ નવી નીતિનો જ લાભ આપવામાં આવશે.
જમીનના બજારભાવ અંગે સરકારની સ્પષ્ટતા
મંત્રી જીતુ વાઘાણીએ સમજાવ્યું કે બજારભાવ એટલે જમીનની તે સમયની વાસ્તવિક માર્કેટ વેલ્યુ. જો અસરગ્રસ્ત જમીન ખેતીલાયક હશે, તો તે ચોક્કસ વિસ્તારની ખેતીની જમીનના વર્તમાન બજારભાવને જ આધાર ગણવામાં આવશે જેથી ખેડૂતને અન્યાય ન થાય.