બંગાળની ખાડી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સક્રિય થઈ ગઈ છે અને પ્રથમ વરસાદી સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમ ભારતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાવશે તેવી શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં સાક્લૉનિક સર્ક્યુલેશન બની ગયું છે અને હવે આ સિસ્ટમ આવનારા દિવસોમાં મજબૂત બનશે.
ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદ નથી અને કેટલાક વિસ્તારોમાં જે વરસાદ પડ્યો હતો તે પણ નહિવત્ જેટલો જ વરસાદ હતો. હવે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ઑગસ્ટ મહિનો વરસાદની રીતે આ વર્ષનો સૌથી ખરાબ મહિનો રહ્યો છે અને ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી હતી. જુલાઈમાં પડેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું.
હવે બંગાળની ખાડી સક્રિય થતાં ફરી વરસાદની આશા જાગી છે અને ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે.