અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, બે દિવસ વરસાદની આગાહી: અમદાવાદ સહિત ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ ગુરુવાર સાંજથી જ વરસાદનું જોરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે, પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
જાણો અંબાલાલે શું કહ્યું
ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે. અંબાલાલ પટેલના (Ambalal Patel Rain Forecast)જણાવ્યા અનુસાર, 20 જૂન સુધી રાજ્યમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ જોવા મળશે, જે હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહ્યો છે. પ્રારંભિક વરસાદને કારણે કૃષિ પાકોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની આશંકા હોવાથી ખેડૂતોને સાવચેત રહેવા સલાહ અપાઈ છે.
23 જૂનથી વાવણી લાયક વરસાદની શક્યતા
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર એ છે કે 23 જૂનથી આદ્રા નક્ષત્ર બેસતા જ ચોમાસાનો અસલી મિજાજ જોવા મળશે. 23 થી 26 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાશે, જેને પગલે 23 જૂનથી જ રાજ્યમાં વાવણી લાયક વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની અપેક્ષા છે.
જુલાઈ મહિનામાં અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન ચોમાસાને લઈ વધુ એક મોટી આગાહી કરી છે. આ દિવસોમાં બંગાળની ખાડીમાં એક નવી અને મજબૂત સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આ સિસ્ટમની અસરને કારણે સમગ્ર ગુજરાતના ઘણા ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે, જે જળબંબોળ જેવી સ્થિતિ સર્જી શકે છે.
13 રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગ અનુસાર, આજે દેશના 13 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પહાડી રાજ્યોના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે.
વરસાદી માહોલ: ગત રાતથી રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મહીસાગરના બાલાસિનોરમાં ૫.૭૯ ઇંચ અને ખેડા-પંચમહાલમાં ૨ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
આગાહીવાળા વિસ્તારો: બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.