રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે છેલ્લા પાંચ દિવસ થી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ થવાની આગાહી કરી દીધી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવે છે કે, રાજ્યમાં 7 તારીખ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. 9 એપ્રિલ થી મહત્તમ ઉષ્ણતાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે, મધ્ય ગુજરાત ના અનેક ભાગોમાં ચાર ડિગ્રી ઉષ્ણતાપમાન વધવાની શક્યતા રહેલી છે.
12 થી 18 તારીખમાં મોટો પલટો
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશના કેટલાક ભાગોમાં 12 થી 18 તારીખમાં મોટો પલટો જોવા મળશે. આ પલટા ને કારણે મોનસુન એક્ટિવિટી શરૂ થશે. જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેલી છે. ગુજરાતના અનેક ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદ તો ક્યાં ધીમો વરસાદ તો ક્યાંક છાંટા પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 12 થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલ, અમદાવાદ, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા દેખાઈ રહી છે.
આ સાથે હવામાનમાં પલટા અંગેની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, સુરત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. રાજ્યના ઘણા ભાગોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા દેખાઈ રહી છે.