રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે અને આગેકૂચ કરી રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ મેઘરાજા સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યારે જોઇએ કે આજે કયા કયા વિસ્તારોમાં મેઘરાજા મહેપ વરસાવશે.
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો. દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઇ શકે છે.આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યુ છે કે, સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે. ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે.
રામાશ્રય યાદવે આજે ગુરૂવાર માટેની આગાહી કરતા જણાવ્યુ છે કે, બનાસકાંઠા,નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
સાથે શુકવાર, શનિવાર અને રવિવાર (28, 29, 30) માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, સુરત, નવસારી, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
તમામ જિલ્લાઓમા ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ હવામાન શાસ્ત્રીઓની આગાહીમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં 28થી 5 જુલાઇ સુધી વરસાદનો રાઉન્ડ આવશે. આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થવાની વકી છે.