Thunderstorm forecast : હવામાન ખાતા દ્વારા આજથી વરસાદનું જોર ઓછું થવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થઇ શકે છે.
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા 2 દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન ખાતા દ્વારા આજથી વરસાદનું જોર ઓછું થવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી 22 ઓક્ટોબરથી અંદમાન નિકોબાર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાથી 100Km થી 120Km પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની સંભાવના છે. જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થઈ શકે છે. રાજ્યમાં માવઠાને કારણે જગતનો તાત માથે હાથ દઈને બેઠો છે. અનેક વિસ્તારોના ખેડૂતોનો પાકને ઘણું મોટું નુકસાન થયું છે.
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની 5 દિવસની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજથી ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. મંગળવારના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 34.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી 5 દિવસ આખા ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે.
હવામાન ખાતાએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં તાપમાન 36 ડિગ્રી રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા માવઠાને કારણે કપાસ, મરચા, ડુંગળી, મગફળી, સોયાબીન સહિતનાં તૈયાર પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતોમાં વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે. ખેડૂતોને જો દિવાળી પહેલા યોગ્ય વળતર મળે તો તેમની દિવાળી સુધરી શકે છે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે નવેમ્બર મહિનામાં પણ માવઠું થશે તેવી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલનું અનુમાન છે. તેમણે જણાવ્યું છે કે, ઓક્ટોબર બાદ નવેમ્બરમાં પણ ગુજરાતના હવામાનમાં ફેરફાર આવવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 7 થી 13 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે. જો સિસ્ટમ વિશાખાપટ્ટનમ થઈને આવે તો ગુજરાતમાં અસર થઈ શકશે. 13 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સક્રિય થવાની સંભાવના છે અને અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થશે તો 13 થી 15 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની સંભાવના રહેશે.