Cold forecast : હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આગામી સમયમાં હાલ જેવું જ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડી પ્રેમીઓએ તાપમાનમાં ઠંડક વધે તેના માટે હજી પણ થોડી રાહ જોવી પડી શકે છે.
હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં માવઠાની કોઈ શક્યતા નથી અને ઠંડીનું જોર વધવાની શક્યતા પણ હમણાં દેખાતી નથી. દેશના હવામાનમાં પણ ચોમાસા પછી શિયાળાની રાહ જોવાઈ રહી છે પરંતુ હજુ સુધી લઘુત્તમ તાપમાનમાં જોઈએ તેટલો ઘટાડો નોંધાયો નથી. આગામી સમયમાં મેદાની પ્રદેશોમાં તાપમાન ઘટવાની શક્યતા દેશના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાતના હવામાન ખાતાના વડા એ.કે. દાસ દ્વારા ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે સોમવારે જણાવ્યું હતું કે રાજ્યનું હવામાન 7 દિવસ સુધી સૂકું રહેવાની શક્યતા છે.
આ સાથે એ.કે. દાસ દ્વારા તાપમાનમાં કોઈ મોટા ફેરફારો નહીં થવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે, તેમણે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શકયતાઓ નથી. અમદાવાદનું મહત્તમ તાપમાન સોમવારે 36.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2.1 ડિગ્રી વધુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ છે.
રાજ્યમાં સોમવારે હવામાન ખાતાની આગાહી કરાઈ હતી તેમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન ડીસામાં 38.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે ત્યારે ઠંડી માટે હજુ રાહ જોવી પડશે.
ચણા, કપાસ, એરંડા, જીરુ, ઘઉં જેવા પાક શિયાળામાં લેવામાં આવતા હોય છે, માટે ખેડૂતોમિત્રો માટે પણ તાપમાનમાં યોગ્ય સમયે યોગ્ય ફેરફારો થાય તે જરુરી છે. આવામાં જો ઠંડીનું જોર ઘટે તો તેની અસર પાક પર પણ થતી હોય છે. આવામાં આગામી સમયમાં તાપમાનમાં ઘટાડો થાય તે ખેડૂતોની દ્રષ્ટીએ પણ જરુરી માનવામાં આવે છે