ગુજરાત રાજ્યમાં વરસી રહેલા વરસાદે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે ગુજરાતનાં આગામી પાંચ દિવસ કેવા રહેશે આ વરસાદી માહોલ યથાવત રહેશે કે ગરમી ફરી ચાલુ થશે તે અંગે હવામાન વિભાગે પૂર્વાનુમાન આપ્યું છે. તો બીજી બાજુ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે તંત્ર એલર્ટ થયુ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં NDRFની ડિપ્લોય કરાઇ છે. વિવિધ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઇ છે. તેમાં રાજ્યમાં NDRFની કુલ 10 ટીમો ડિપ્લોય કરાઇ છે. નર્મદા, કચ્છ, રાજકોટમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમજ વલસાડ, દ્વારકા, ગીર સોમનાથમાં ટીમ તૈનાત કરાઇ છે.
ખેડૂતોમાં વરસાદને જોઈને એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા છે અને અનેક ગામડાઓ સંપર્કવિહોણા પણ બન્યા છે ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ્પ થયો છે.ભાવનગર જિલ્લા વરસાદને પગલે 36 ગામમાં વીજ પુરવઠો બંધ થયો છે અને કચ્છના 29 અને જુનાગઢ જિલ્લાના 16 ગામમાં વીજ પુરવઠા પર અસર જોવા મળી છે.
ઓરેન્જ એલર્ટ
આજે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે.
રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે પણ ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, 4 જુલાઈના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
પાંચમી તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
6 જુલાઈના રોજ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.