ગુજરાતમાં ચાર દિવસ વહેલા પ્રવેશેલા ચોમાસાએ ચોક્કસ નિરાશ કર્યા છે. કેમ કે, નબળું પડેલું ચોમાસું સ્થિર છે અને હવે તે ફરીથી સક્રિય થાય તેની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. સાથે જ મેઘો મન મૂકીને વરસે તેવી મીટ માંડીને બેઠા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે નવી આગાહી કરી છે. તેમણે રાહત આપતી આગાહી કરી છે. આજથી રાજ્યના હવામાનમાં એવો ફેરફાર થશે કે લોકો રાહત અનુભવશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, ઘણા દિવસથી તાપમાન ઊંચું હતું અને ઉકળાટ-બફારો હતો. તેમાં આજથી થોડીક રાહત મળે તેવી સંભાવના છે. છેલ્લા ઘણા દિવસથી તાપમાન 36થી 39 ડિગ્રી જોવા મળતું હતું. આમાં આજથી ઘટાડો થાય તેવી સંભાવના છે.
ચોમાસા અંગે તેમણે જણાવ્યું કે, ચોમાસું ઘણા દિવસથી નિષ્ક્રિય થયું છે, તે 21થી 25 તારીખમાં ફરી સક્રિય થાય અને સાર્વત્રિક વાવણીલાયક વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 જૂનથી અરવલ્લી અને બનાસકાંઠાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે ચોમાસાનું આગમન થશે. 24 જૂને પાંચેય જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે, 25 જૂને ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે વરસાદનું જોર વધી શકે છે.
આ મહિનાની 25 અને 26મી તારીખે ઉત્તર ગુજરાતના 50% વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. 27 જૂનના રોજ રાજસ્થાન સહરદી હદને અડીને આવેલા બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
28 જૂને વરસાદનું જોર સામાન્ય ઘટ્યા બાદ 29 અને 30 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી બાજુ આગામી 48 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં ધીમે ધીમે દિવસ-રાતના તાપમાનમાં સતત ઘટાડો થતાં આકરા તાપ અને અસહ્ય ગરમીથી છુટકારો મળી શકે છે.