ચોમાસાની વિદાય સમય ફરી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે 24 તારીખ સુધી રાજ્યમાં માવઠું પડી શકે છે.
જેમાં 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. તો 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. જેના કારણે અણધાર્યો વરસાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં થશે.
અંબાલાલ પટેલએ વધુમાં જણાવ્યું હતુ કે અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. જેનાથી 22 થી 24 ઓક્ટોબર સુધી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે અને ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે બરફ પડશે. બરફ પડવાના કારણે ઠંડીમાં વધારો થશે.
તહેવારોમાં વાદળછાયું વાતાવરણ
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તહેવારોમાં એટલે કે 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. તેઓના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનતા વરસાદની સંભાવના રહેલી છે.