રવિવારે વડોદરા અને જૂનાગઢમાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ કરતા શહેરમાં પાણી પાણી થઈ ગયું છે. ત્યારે બીજી તરફ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ સાથે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાત હવામાન અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજથી વરસાદનું જોર ઘટી જશે.
આજથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધવામાં આવ્યું છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં આવી જ પરિસ્થિતિ જોવા મળશે.
નવરાત્રીમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે, હાલ જે પરિસ્થિતિ છે તેવી જ રહે તો નવરાત્રીમાં બહુ ઓછો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ જોવા મળશે.
રવિવારે વડોદરામાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વડોદરા શહેરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
શહેરના કારેલીબાગ, વાઘોડિયા રોડ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર, વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરીજનોને ફરી વિશ્વામિત્રીના પૂરનો ડર સતાવી રહ્યો છે.