Gujarat Weather Forcast : આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતાં રાજ્યના ડેમના પાણી પણ સુકાઈ ગયા છે. રાજકોટ જેવા શહેરમાં આગામી ઉનાળામાં પાણીની તીવ્ર ખેંચ પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આવા વિષમ સંજોગોમાં ગઈકાલે રાજ્યમાં ક્યાંય પણ સમ ખાવા પૂરતો પણ વરસાદ પડ્યો નથી. એવામાં હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
14, 15 અને 16 સપ્ટેમ્બરે આ વિસ્તારમાં વરસાદની આગાહી
14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતમાં સારા વરસાદની આગાહીઃ હવામાન નિષ્ણાંત
કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડશે. 13 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વધુ એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પડશે વરસાદ
27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. નવરાત્રીના દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીએ પણ કરી છે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે.