Ambalal Patel Predict : ગુજરાતમાં થોડા દિવસના તાપમાનમાં આશિંક ઘટાડા પછી રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ફરીથી તાપમાન ગગડ્યું છે. નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચેલું તાપમાન ફરીથી 7 ડિગ્રી સેલ્સિયસ નજીક આવી ગયું છે. અત્યારે રાજ્યમાં 13-14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે ધુમ્મસની ચાદરના દ્રશ્યો સર્જાયા છે.
માહિતી મુજબ, રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે, હવામાન ખાતા પ્રમાણે, આગામી દિવસોમાં ઠંડીનો એક રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. આજથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. લઘુતમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડાની આગાહી કરવામાં આવી છે. રવિવારે 8 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો હતો. ઉત્તરાયણ પહેલા રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે, જાન્યુઆરી મહિનામા અરબ સાગરમા લો પ્રેશર બનવા જઈ રહ્યુ છે. આ સિસ્ટમ મજબુત બનશે. અને બંગાળના ઉપસાગરમા પણ લૉ પ્રેશર બનવાની સંભાવના છે.
આગામી 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે. તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં ફેરફાર આવશે. 7 થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની સંભાવના રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડીથી સમગ્ર ગુજરાત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે, નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે, આ સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. આ શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે, અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા અનુભવાયો ઠંડીનો ચમકારો. આ ઉપરાંત રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું તાપમાન રહ્યું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રી સેલ્સિયસથી નીચું તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, હજી પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઇપણ ફેરફાર નહીં થાય.
છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. રવિવારે રાજકોટનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 16.4 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 13 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 14.9 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 18.6 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.