IMD ના જણાવ્યા મુજબ રાજ્યના અમુક જિલ્લાઓમા સુકુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કરછ માટે આગામી સાત દિવસ સુકા રહેવાના છે.
આ વિસ્તારોમા વરસાદની આગાહી નહીવત્ છે. જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતુ કે અમદાવાદમાં હાલ 34.2 અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન રહેલું છે. હાલની સ્થિતી પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી અમદાવાદમાં નથી.
જોકે આખા રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી તાપમાન સરખુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ગરમીનું પ્રમાણ વધી શકે છે.
7 થી 12 ઓક્ટોબર સુધીમાં હવામાનમાં મોટો પલટો
ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પાંચ ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો પડશે, તેમજ વડોદરાના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં 7 થી 12 ઓક્ટોબર સુધીમાં હવામાનમાં મોટો પલટો આવી રાજ્યમાં વરસાદ પડી શકે છે.
ત્યારે હવામાન વિભાગના જણાવ્યુ મુજબ હાલમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કોઇ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ પડી શકવાની સંભાવના રહેલી નથી. જેને લઇ નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને આરામથી રમી શકશે.