Rain update:જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોને રીતસરના ઘમરોળ્યા બાદ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી વિરામ લીધો છે. અંબાલાલ જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં ખૂબ જ ઝડપી ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. આ તેજ પવનોના કારણે આકાશમાં બંધાયેલા વરસાદી વાદળો વિખેરાઈ ગયા છે અને ચોખ્ખું આકાશ જોવા મળી રહ્યું છે, જેના લીધે વરસાદનો પ્રથમ રાઉન્ડ હાલ પૂર્ણ થયો છે.
અંબાલાલ પટેલે જુલાઈના બીજા પખવાડિયા અને ઓગસ્ટના પ્રારંભને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 13થી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં લોકલ વેધર સિસ્ટમ સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 13 અને 14 જુલાઈએ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના પરિણામે 13 થી 16 જુલાઈ દરમિયાન લોકલ સિસ્ટમના આધારે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં, ખાસ કરીને કચ્છ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 17 અને 18 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત સિસ્ટમ બનશે. જો આ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ આગળ વધશે, તો તેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. પરિણામે 18 થી 20 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ) અને ઉત્તર ગુજરાત (સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી) માં સારા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ 22 જુલાઈની આસપાસ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં હજુ સુધી વરસાદ ખેંચાયો છે અને જ્યાં વરસાદના કોઈ ઠેકાણા નથી, તેમના માટે 27 થી 30 જુલાઈનો સમયગાળો અત્યંત સારો સાબિત થઈ શકે છે. આ દિવસોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, 24 થી 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે.
મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારો: દક્ષિણ ગુજરાતના ભાગો જેવા કે આહવા, ડાંગ અને વલસાડ જિલ્લામાં સારો અને ભારે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના મતે, ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) અને હિંદ મહાસાગરના અન્ય સાનુકૂળ પરિબળોને કારણે અલ નીનો હોવા છતાં ઓગસ્ટમાં સારો વરસાદ પડશે.ઓગસ્ટની શરૂઆતમાં (અંદાજે 1 ઓગસ્ટ આસપાસ) દક્ષિણ ગુજરાતમાં અણધાર્યો અને ભારે વરસાદ પડી શકે છે, જેનાથી તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
હાલ જમીન સપાટી પર ફૂંકાતા સૂકા પવનોને કારણે જમીનનો ભેજ ઉડી રહ્યો છે, તેથી ખેડૂતોએ પાક બચાવવા પૂરતી સિંચાઈની વ્યવસ્થા કરવી.
નક્ષત્ર મુજબ વરસાદ: 20 જુલાઈથી બેસતા 'પુષ્ય' નક્ષત્રનો વરસાદ પાક માટે અમૃત સમાન ગણાય છે.
વાવેતરમાં સાવધાની: 3 થી 17 ઓગસ્ટ દરમિયાન 'આશ્લેષા' નક્ષત્ર ચાલશે. આ નક્ષત્રમાં વરસાદ ખૂબ જોરાવર હોય છે, પરંતુ તેનું પાણી કૃષિ પાક માટે હિતાવહ મનાતું નથી (તેનાથી પાક પીળો પડી શકે છે). તેથી, આ સમયગાળામાં લીલા ભેજમાં વાવેતર કરવાનું ટાળવું. જમીન થોડી સુકાય અને 'વરાપ' નીકળે ત્યારબાદ જ ખેતીના કામો કરવા વધુ હિતાવહ રહેશે.