હવામાન વિભાગે રાજ્યના 22 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કડક ચેતવણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે જામી રહ્યું છે. વીતેલા બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. એકસાથે 4 મોટી દરિયાઈ સિસ્ટમ મોન્સુન ટ્રફ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યના 22 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કડક ચેતવણી જાહેર કરી દીધી છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૧૩૩ મીમી (આશરે 5.2 ઈંચ) અને વેરાવળમાં 85 મીમી વરસાદ નોંધાયો છે. ઊનામાં વીજળીના કડાકા સાથે મેઘરાજા તૂટી પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને પાકને નવું જીવનદાન મળ્યું છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે.
રાજ્યના 102 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તારાજી જોવા મળી છે. સુરતના બારડોલીમાં આભ ફાટ્યું હોય તેમ સૌથી વધુ ૭.૬૮ ઈંચ, પલસાણામાં ૭.૫૬ ઈંચ અને વાપીમાં ૭.૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય મહુવા, ઉમરગામ અને માળિયાહાટીનામાં પણ ૫ થી ૭ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં 'યલો એલર્ટ' આપી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ આગામી દિવસોમાં તોફાની વરસાદની આગાહી છે.
પૂરતો વરસાદ
મોડેથી શરૂ થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં ૩૦ જૂન સુધીમાં સરેરાશ ૮૦ ટકા જેટલી વરસાદની ઘટ નોંધાઈ હતી, પરંતુ ૨ જુલાઈથી સક્રિય થયેલા વરસાદને લીધે સ્થિતિ સુધરી રહી છે.
દેશના અન્ય રાજયોમાં એલર્ટ
ગુજરાત સહિત દેશના 19 રાજયોમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. પંજાબ,પટિયાલા, અમૃતસર અને જલંધર સહિતના વિસ્તારોમાં ૬૦ કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી છે.
વરસાદની હાલની સ્થિતિ
સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.
જૂન મહિનાના અંત સુધીમાં વરસાદની મોટી ઘટ જોવા મળી હતી, પરંતુ જુલાઈની શરૂઆતથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.