Solar penal: સામાન્ય રીતે, ૧ કિલોવોટ (1kW) ની સોલાર પેનલ સિસ્ટમ રોજિંદી સરેરાશ ૪ થી ૫ યુનિટ (kWh) વીજળી ઉત્પન્ન કરે છે, જે મહિનામાં આશરે ૧૨૦ થી ૧૫૦ યુનિટ થાય છે.
એક સોલાર પેનલ તેના વોટેજ (ક્ષમતા) અને સૂર્યપ્રકાશના કલાકો પર આધારિત વીજળી પેદા કરે છે. આજના સમયમાં સોલર પેનલ લગાવવી એ માત્ર પર્યાવરણ બચાવવાનો જ નહીં, પરંતુ દર મહિને આવતા હજારો રૂપિયાના વીજળી બિલમાંથી કાયમી મુક્તિ મેળવવાનો ઉત્તમ રસ્તો છે. સોલર સિસ્ટમ ખરીદતા પહેલાં તે કેવી રીતે કામ કરે છે અને તેમાંથી કેટલી વીજળી (યુનિટ) જનરેટ થાય છે, તેની ગણતરી સમજવી ખૂબ જ જરૂરી છે. ગુજરાત જેવા વધુ તડકાવાળા પ્રદેશોમાં ઉત્પાદન સારું મળે છે.
સોલર પેનલની અંદર સિલિકોન ધાતુમાંથી બનેલા ખાસ પ્રક્રીયાવાળા 'ફોટોવોલ્ટેઇક સેલ્સ' ફીટ કરેલા હોય છે. જ્યારે સૂર્યના કિરણો આ સેલ્સ પર સીધા પડે છે, ત્યારે તેની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સ સક્રિય (એક્ટિવ) થઈ જાય છે અને તેમની વચ્ચે હલચલ શરૂ થાય છે. ઇલેક્ટ્રોન્સનો આ પ્રવાહ ડાયરેક્ટ કરન્ટ (DC) વીજળીનું નિર્માણ કરે છે.
ત્યારબાદ, આ DC વીજળી વાયરિંગ મારફતે ઘરમાં લગાવેલા સોલર ઇન્વર્ટરમાં જાય છે. ઇન્વર્ટર આ વીજળીને અલ્ટરનેટિંગ કરન્ટ (AC) માં રૂપાંતરિત કરે છે, કારણ કે આપણા ઘરના તમામ ઉપકરણો જેવા કે ટીવી અને પંખા એસી (AC)પાવર પર જ કામ કરે છે.
સોલર પેનલ દ્વારા જનરેટ થતી વીજળીનો મુખ્ય આધાર પેનલની ક્ષમતા (વૉટ - Watt), સૂર્યપ્રકાશની તીવ્રતા અને હવામાન પર રહેલો છે. વીજળીની ભાષામાં ૧૦૦૦ વૉટ એટલે કે ૧ કિલોવૉટ પાવર જ્યારે એક કલાક સુધી સતત મળે, ત્યારે તેને ૧ યુનિટ વીજળી કહેવાય છે.
ગુજરાતમાં સામાન્ય રીતે રોજની સરેરાશ ૪ થી ૬ કલાકની સારી અને સીધી ધૂપ આરામથી મળી રહે છે. આ હિસાબે જો તમારા ઘરમાં ૪૦૦ વૉટની એક સિંગલ પેનલ લાગેલી હોય, તો તે આખા દિવસમાં આશરે ૧.૬ થી ૨.૪ યુનિટ સુધીની વીજળી બનાવી શકે છે.
તમારા ઘરની અગાસી પર ૩ કિલોવૉટ નો આખો સોલર પ્લાન્ટ લગાવ્યો છે, તો તે હવામાન અનુકૂળ હોય ત્યારે રોજની આશરે ૧૨ થી ૧૮ યુનિટ સુધીની બમ્પર વીજળી પેદા કરી શકે છે. મધ્યમ વર્ગના પરિવારના ઘરનો આખો દિવસનો વીજળીનો વપરાશ આરામથી પૂરો કરવા માટે આટલા યુનિટ પૂરતા છે.
પેનલ પર ધૂળ જામી ગઈ હોય, તેને યોગ્ય દિશામાં ફિટ ન કરાઈ હોય કે આકાશમાં વાદળો હોય, તો વીજળીનું ઉત્પાદન ઓછું થઈ શકે છે.