ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે છેલ્લા કેટલાય સમયમાં દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર ભારતમાં પણ પડી અને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધી ગયા. જો કે ભારતમાં ભાવ એટલા નથી વધ્યા, જેટલા દુનિયાના બાકી દેશોમાં જોવા મળ્યા. હવે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ થોડા ઘટવા લાગ્યા છે, તો સામાન્ય લોકોના મનમાં એક જ સવાલ છે કે શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તેના પર સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, જો ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટતા રહેશે તો આગળ તેના પર નિર્ણય લેવાશે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા છતાં સરકારી કંપનીઓ દ્વારા તાત્કાલિક ધોરણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં આવશે નહીં. જો વૈશ્વિક બજારમાં નીચા ભાવો આગામી ૨ થી ૩ મહિના (અથવા થોડા અઠવાડિયા) સુધી સ્થિર રહેશે, તો જ ભવિષ્યમાં ભાવ ઘટાડા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી દેશની સરકારી તેલ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે.પશ્ચિમ એશિયાના સંકટ સમયે પડતર કિંમત કરતાં ઓછા ભાવે ઈંધણ વેચવાને કારણે સરકારી ઓઈલ કંપનીઓને ૩૦ જૂન સુધી ₹૭૪,૭૮૧ કરોડનું મોટું નુકસાન થયું છે. કંપનીઓ પહેલા આ જૂના નુકસાનની ભરપાઈ કરશે.
જ્યારે હરદીપ સિંહ પૂરીને પૂછવામાં આવ્યું કે છૂટક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઓછા થશે, તો તેમણે તેની પાછળના ટેકનિકલ કારણ જણાવ્યા. તેમણે કહ્યું કે, હાલમાં દેશની રિફાઈનરીઓમાં જે ક્રૂડ ઓઈલ પ્રોસેસ થઈ રહ્યું છે, તે બે મહિના પહેલા બુક કર્યું હતું. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત અને જહાજોના ભાડા ખૂબ વધારે હતા. એટલા માટે હાલમાં મોંઘું તેલ બજારમાં આવી રહ્યું છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે, જો ક્રૂડ ઓઈલના ભાવ ગ્લોબલ માર્કેટમાં આગળ પણ ઘટતા રહેશે તો આવનારા સમયમાં રાહત જોવા મળી શકે છે.
વૈશ્વિક ઉથલ-પાથલથી બચવા માટે ભારતે તેલ આયાતની પોતાની રીતમાં મોટો બદલાવ કર્યો છે. મંત્રીએ જણાવ્યું કે, ભારત હવે એ દેશો પાસેથી પણ તેલ અને એલપીજીના કાર્ગો મગાવી રહ્યું છે, જેની સાથે પહેલા ક્યારેય વેપાર નહોતો થતો. જેમ કે અમેરિકા, આ ઉપરાંત ભારતીય રિફાઈનરીઓ દરેક પ્રકારના ક્રૂડ ઓઈલની પ્રોસેસ કરવા માટે તૈયાર છે. આ જ કારણ છે કે જ્યારે વેનેઝુએલાથી રસ્તો ખુલ્યો, તો ભારતે ત્યાંથી પણ તેલ ખરીદવાનું શરુ કર્યું. તેમણે કહ્યું કે, કિંમત વધવાથી તેઓ ચિંતિત છે. પણ ભવિષ્ય માટે પોતાની સ્ટોરેજ ક્ષમતા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરી રહ્યા છે.
વૈશ્વિક કટોકટી છતાં સરકારે ગ્રાહકોને સુરક્ષિત રાખ્યા હતા. વિશ્વમાં ઈંધણના ભાવ ૩૫% સુધી વધ્યા ત્યારે ભારતમાં માત્ર ૫.૫૮% જેવો સામાન્ય વધારો થયો હતો.