અમેરિકા સાથેની સમજૂતી બાદ ઈરાન Strait of Hormuz માંથી પસાર થતા દરેક વ્યાપારી જહાજ પર નવો ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. તેહરાનનું કહેવું છે કે મુશ્કેલ સમયમાં ઈરાનની પડખે ઉભા રહેનારા મિત્ર દેશોને આ નવી વ્યવસ્થામાં વિશેષ રાહત કે છૂટછાટ મળી શકે છે.
બીજી તરફ, અમેરિકી સત્તાવાળાઓનો દાવો છે કે તણાવ વચ્ચે પણ આ માર્ગ પરથી જહાજોની અવરજવર ચાલુ છે, પરંતુ ઈરાની દળો રેડિયો દ્વારા જહાજોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચીનના બેઇજિંગમાં આયોજિત ‘વર્લ્ડ પીસ ફોરમ’માં બોલતી વખતે ઈરાનના રાજદૂત અબ્દુલરાજા રહમાનીએ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે ઓમાન સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું, “હોર્મુઝ એ ટેરિટોરિયલ વૉટર્સનો ભાગ છે અને અમે ચોક્કસપણે સર્વિસ ફી વસૂલ કરીશું.”
આગળ ઉમેર્યું કે, “આ વ્યવસ્થા એટલા માટે હશે જેથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર દેખરેખ રાખીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ઉપરાંત આટલી મોટી સંખ્યામાં જહાજો પસાર થતાં હોવાથી પર્યાવરણીય અસરો પણ જોવાની રહે છે.”
જોકે એમ પણ કહ્યું હતું કે જે દેશો ઈરાનના મિત્રદેશો છે અને ખાસ કરીને કઠિન સમયે પડખે રહ્યા હતા તેમના માટે વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે.
ટેકસની રકમ: દરેક સિંગલ જહાજ પાસેથી આશરે ૧ મિલિયન (આશરે રૂ. ૮.૫ કરોડ) ડૉલરનો ટોલ લેવામાં આવશે.
અમેરિકા અને ઈરાને જ્યારે યુદ્ધવિરામ કર્યો ત્યારે એ નક્કી કર્યું હતું કે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો આગામી 60 દિવસ સુધી કોઈ પણ પ્રકારના શુલ્ક વગર પસાર થશે. યુદ્ધ શરૂ થયું ત્યારથી સેંકડો જહાજ મધ્ય-પૂર્વમાં ફસાયાં છે, જે હોર્મુઝમાંથી જ બહાર નીકળી શકે એમ છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે 60 દિવસ પછી વ્યવસ્થા શું હશે.
અમેરિકી સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટનો દક્ષિણ દરિયાઈ માર્ગ હજુ પણ ખુલ્લો છે અને તાજેતરના દિવસોમાં ત્યાંથી અંદાજે 50 જેટલા વ્યાપારી જહાજો પસાર થયા છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગના જહાજો પોતાની ઇલેક્ટ્રોનિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) બંધ રાખીને મુસાફરી કરી રહ્યા છે જેથી પબ્લિક ટ્રેકિંગ સિસ્ટમ પર તેમની લોકેશન ટ્રેસ ન થઈ શકે. એક અમેરિકી અધિકારીએ આક્ષેપ કર્યો છે કે ઈરાની સુરક્ષા દળો VHF રેડિયો દ્વારા જહાજોનો સંપર્ક કરીને તેમના પર દબાણ લાવવાનો અને ડરાવવાનો પ્રયાસ કરે છે, છતાં પણ દરિયાઈ ટ્રાફિક પ્રભાવિત થયો નથી.