તાજેતરમાં ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટ નજીક સાયપ્રસના ધ્વજવાળા કોમર્શિયલ જહાજ 'GFS ગેલેક્સી' (GFS Galaxy) પર ઈરાની દળો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાની દળોએ તેને 'ચેતવણીરૂપ ફાયરિંગ' (warning shot) ગણાવ્યું હતું, પરંતુ આ હુમલાને કારણે જહાજના એન્જિન રૂમને ગંભીર નુકસાન થયું હતું અને જહાજમાં આગ લાગી ગઈ હતી.
જહાજ પર 11 ભારતીય નાગરિકો સવાર હતા. ભારત સરકારે જણાવ્યું કે આમાંથી 10 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય હજુ પણ ગુમ છે.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભારત ઓમાન દરિયાકાંઠા પાસે કોમર્શિયલ જહાજ GFS Galaxy પર થયેલા હુમલાની આકરી નિંદા કરે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જહાજ પર હાજર 11 ભારતીયોમાંથી 10 ને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગુમ હોવાના અહેવાલ છે.
ઓમાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ સતત ઓમાનના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને બચાવ કામગીરી પર નજીકથી નજર રાખી રહ્યું છે. અને ઓમાની અધિકારીઓ સાથે મળીને શોધ તેમજ બચાવ અભિયાનમાં સક્રિય રીતે સહયોગ કરી રહ્યું છે. ભારતે આ સહાય બદલ ઓમાન સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો.
ભારતે મધ્ય પૂર્વમાં વ્યાપારી જહાજો પર વારંવાર થઈ રહેલા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે આ ક્ષેત્રમાં સતત કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર વ્યાપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઈરાને દાવો કર્યો કે તેની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સાયપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ પર કાર્યવાહી કરી, કારણ કે તે કથિત રીતે અધિકૃત દરિયાઈ માર્ગના બદલે બીજા રસ્તેથી પસાર થઈ રહ્યું હતું. IRGC નું કહેવું છે કે ઘણા જહાજોને નિર્ધારિત શિપિંગ કોરિડોર પરથી પસાર થવાની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેમણે સૂચનાઓનું પાલન ન કર્યું. ઈરાને ફાયરિંગને "ચેતવણી સ્વરૂપે કરાયેલી કાર્યવાહી" ગણાવી અને આ પછી હોર્મુઝ સ્ટ્રેટને આગામી સૂચના સુધી બંધ કરવાની જાહેરાત કરી દીધી.
બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) આ ઘટનાને એક નાગરિક કોમર્શિયલ જહાજ પર સીધો હુમલો ગણાવ્યો છે. CENTCOM ના જણાવ્યા અનુસાર, હુમલામાં જહાજના એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેમાં આગ લાગી ગઈ અને ક્રૂ મેમ્બર્સને જહાજ છોડીને લાઈફબોટ દ્વારા બહાર નીકળવું પડ્યું. અમેરિકાનું કહેવું છે કે આ હુમલામાં એક નાગરિક ક્રૂ મેમ્બર ગુમ છે.