Vishabd | માલધારી: મેં સિંહણની ઉપર હાથ ફેરવ્યા, એણે મારો હાથ છોડી લીધો માલધારી: મેં સિંહણની ઉપર હાથ ફેરવ્યા, એણે મારો હાથ છોડી લીધો - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
માલધારી: મેં સિંહણની ઉપર હાથ ફેરવ્યા, એણે મારો હાથ છોડી લીધો

માલધારી: મેં સિંહણની ઉપર હાથ ફેરવ્યા, એણે મારો હાથ છોડી લીધો

Team Vishabd by: Vishabd | 03:35 PM , 07 July, 2026
Whatsapp Group

ભાવનગર જિલ્લામાં આવેલા યાત્રાધામ પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે એક માલધારી કાળુ પરમાર પર સિંહણ અચાનક હુમલો કરીને તેના પગ પર બેસી જતાં ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. અડધો કલાક સુધી ચાલેલી જીવસટોસટની આ ઘટનામાં મોતને વેંત છેટું જોઈને ગભરાવાને બદલે કાળુ પરમારે સંયમથી કામ લઈને સિંહણનો કોળિયો બની જવાને બદલે એને પંપાળીને એની પકડમાંથી છૂટવા માટે પ્રયાસ કર્યો હતો અને જાણે કે કોઈ ચમત્કાર થયો હોય એમ સિંહણ માલધારીને છોડીને જતી રહેતાં સૌએ રાહતનો દમ લીધો હતો.

સિંહણે કર્યો અચાનક હુમલો

ગરાજિયા ગામમાં રહેતો કાળુ પરમાર સવારે ગાયને ઘાસચારો નાખવા જતો હતો ત્યારે અચાનક આવી ગયેલી સિંહણે તેના પર હુમલો કર્યો હતો અને તેને નીચે પાડી દીધો હતો. ત્યાર બાદ તે તેના પગ પર બેસી ગઈ. કાળુ પરમારને બચાવવા માટે સૌકોઈએ પ્રયાસો હાથ ધર્યા હતા અને સિંહણને ભગાવવા માટે ભારે દેકારો મચાવી દીધો હતો.

અડધો કલાક સિંહની માથે હાથ ફેરવ્યો 

મોતના મુખમાં પહોંચી ગયેલા માલધારીએ ગભરાયા વગર સંયમથી કામ લઈને મોતના મુખમાંથી છૂટવા માટે છેલ્લા પ્રયાસના ભાગરૂપે સિંહણના માથે હાથ ફેરવીને એને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સિંહણે તેને ન છોડતાં નિઃસહાય થઈને પડી રહ્યો હતો. સિંહણની સાથે લગભગ અડધો કલાક સુધી આ માલધારી જમીન પર ફસડાઈને પડી રહ્યો હતો. જોકે બીજી તરફ ગામના લોકો તેને બચાવી લેવા સતત બુમરાણ મચાવતા હોવાથી આખરે સિંહણ અચાનક કાળુ પરમારને છોડીને જતી રહી હતી.

કાળુભાઈની હિંમતને લોકોએ બિરદાવી

કાળુ પરમારની હિંમત અને સમજશક્તિને દાદ આપવા જેવી છે. સિંહણના હુમલાથી ભોંયભેંગા થયા બાદ સિંહણ ઉપર ચડીને બેસી જાય તો છપ્પનની છાતીનાં પાટિયાં પણ બેસી જાય એવા બનાવમાં કાળુ પરમારે જે હિંમત બતાવી એને ગામવાસીઓએ બિરદાવી હતી.

સિંહણના હુમલામાં માલધારી લોહીલુહાણ થઈ ગયો હતો. સિંહણે જ્યારે આ માલધારીને છોડ્યો ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે પાલિતાણા સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

કાળુ પરમારે મીડિયા સાથે વાત કરતાં શું કહ્યું?

સવારે હું મારી ગાયને ઘાસ ખવડાવવા માટે જતો હતો ત્યારે સિંહણે મારા પર અચાનક હુમલો કર્યો હતો. પહેલાં મારી ઓડ પર મારીને એણે મને પાડી દીધો હતો અને પછી મારો હાથ મોઢામાં મૂકી દીધો હતો. જોકે મેં એને પંપાળ્યો એટલે એણે મારો હાથ ઢીલો મૂક્યો હતો. એટલે મેં હાથ કાઢી લીધો. એ પછી મારી ગાય પાસે ગયો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો.

Whatsapp Group
સબંધિત પોસ્ટ