PM Crop Insurance Scheme : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે ફાળવણી વધારીને રૂ.69,515 કરોડ કરી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની મિટિંગમાં ખેડૂતોના હિતમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યાર પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને DAP(ડાય-એમોનિયમ ફોસ્ફેટ)ખાતર પર સબસિડી સંબંધિત મોટી જાહેરાતો કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, 2025-2026 દરમિયાન પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે રૂ.69,515 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
આ યોજના 2025-26 સુધી ચાલુ રહેશે અને ખેડૂતોના પાકને કુદરતી આફતોથી થતા નુકસાનથી બચાવવા માટે રક્ષણ કરશે. તમને જણાવી દઈએ કે, આ નિર્ણય 1 જાન્યુઆરી, 2025ના રોજ મળેલી પહેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત DAP (ડાય-એમોનિયમ ફોસ્ફેટ) ખાતરના ભાવ પણ સ્થિર રાખવામાં આવ્યા છે. DAP(ડાય-એમોનિયમ ફોસ્ફેટ)ની 50Kgની બેગ માત્ર રૂ.1,350માં જ મળશે, જોકે તેની વાસ્તવિક કિંમત લગભગ રૂ.3,000 છે. ત્યારે તેનો વધારાનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. ખેડૂતોને આ રાહત આપવા માટે સરકારે રૂ.3,850 કરોડના સ્પેશ્યલ પેકેજને મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે. પરિણામે યસ-ટેક અને વિન્ડ્સ જેવી ટેક્નિકલ પહેલ દ્વારા પાકની આકારણી અને ક્લેમ સેટલમેન્ટ ઝડપી બનશે. આ માટે રૂ.824.77 કરોડનું ફંડ (FIAT) બનાવવામાં આવ્યું છે, જેનાથી ટેકનિકલ રિસર્ચ અને વિકાસને પ્રોત્સાહન મળશે. આ પગલું પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને વધુ પારદર્શક અને અસરકારક બનાવશે.
DAP(ડાય-એમોનિયમ ફોસ્ફેટ) ખાતરની વૈશ્વિક કિંમતોમાં વધારો-ઘટાડો હોવા છતાં સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય ખેડૂતો પર તેની કોઈ અસર નહીં થાય. રેડ સી જેવા દરિયાઈ માર્ગોમાં અસુરક્ષા અને ગ્લોબલ માર્કેટ્સમાં અસ્થિરતા હોવા છતાં સરકારે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી છે.
પ્રધાનમંત્રી મોદીએ પણ સુનિશ્ચિત કર્યું હતું કે કોવિડ મહામારી અને ભૂ-રાજનૈતિક સંકટ દરમિયાન ખેડૂતોને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. 2014થી અત્યાર સુધીમાં સરકારે ખાતરની સબસિડી બમણી કરીને રૂ.1.9 લાખ કરોડએ પહોંચાડી દીધી છે. સરકારના આ નિર્ણયોથી ખેડૂતમિત્રોને આર્થિક રાહત મળશે અને તેઓ પાક ઉત્પાદન માટે પ્રેરિત થશે. આ નિર્ણયો ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રને સશક્ત બનાવવાની દિશામાં મોટો પ્રયાસ છે.