PM Swamitva Yojana : કેન્દ્ર સરકાર દેશના શહેરોની સાથે-સાથે ગ્રામીણ વિકાસ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ગ્રામજનો માટે સૌથી મહત્વની યોજના PM સ્વામિત્વ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શનિવારે (૧૮ જાન્યુઆરી, ૨૦૨૫) લગભગ ૧૨:૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૧૦ રાજ્યો, ૨ કેન્દ્રશાસિત પ્રદેશો, ૨૩૦થી વધુ જિલ્લાઓના ૫૦,૦૦૦થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને માહિતી આપશે અને ૬૫ લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા એવા ઘણા લોકો છે કે જેમના પાસે તેમની જમીન અને મકાનના માલિકી હક્ક અને સરકારી દસ્તાવેજો નથી તેમને મોટો ફાયદો થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ ૨૦૨૦માં શરૂ કરેલી આ યોજના પ્રથમ તબક્કામાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, અને મધ્ય પ્રદેશના ગામડાઓમાં લાગુ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ લોકોને માત્ર માલિકીના અધિકાર જ નહીં મળે, પરંતુ બેંકમાંથી લોન મેળવવાનું પણ ખૂબ સરળ બનશે. તે પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરશે અને કોઈપણ વ્યક્તિ પોતાની પ્રોપર્ટી સરળતાથી બીજા કોઈને પણ વેચી શકશે. આ યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને ગામડાઓ અને ખેતીની જમીનનું મેપિંગ કરવામાં આવશે. આ યોજનાથી લોકો આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનશે.
આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારે 'PM સ્વામિત્વ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં જમીન પર બનેલા મકાનોને માલિકી હક્ક આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દરેક માલિકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે જે તેમની ઘરની માલિકીનો કાયદેસર પુરાવો હોય છે. એટલે કે, હવે તેમની પાસે તેમના ઘરનો માન્ય અને કાયદેસર દસ્તાવેજ હશે.
'PM સ્વામિત્વ યોજના' હેઠળ ગામડાઓની રહેણાંક જમીનની માપણી ડ્રોન દ્વારા કરવામાં આવે છે. ડ્રોનથી ગામડાઓની સીમાની અંદર આવતી દરેક મિલકતનો એક ડિજિટલ નકશો તૈયાર થાય છે. સાથે જ દરેક રેવન્યૂ તાલુકાની સીમા પણ નક્કી થાય છે. એટલે કે ડ્રોન ટેકનોલોજીની મદદથી કયું ઘર કેટલા વિસ્તારમાં છે તે ચોક્કસાઈપૂર્વક માપી શકાય છે.