19th installment coming : ભારતની કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક રૂ.6,000ની આર્થિક સહાય આપે છે. આ રકમ PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ DBT મારફતે ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાય છે. ખેડૂતોના એકાઉન્ટમાં દર 4 મહિને રૂ.2000ના 3 હપ્તામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી આ યોજનાના 18 હપ્તા આપવામાં આવ્યા છે. હવે ખેડૂતો આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અગાઉનો હપ્તો એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો. તે મુજબ આગામી હપ્તો એટલે કે 19માં હપ્તાનો સમય ફેબ્રુઆરી મહીનામાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવી શકે છે. ગયા વર્ષે 16મો હપ્તો 28મી ફેબ્રુઆરીએ આપવામાં આવ્યો હતો, તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો પણ આ જ તારીખે બહાર પાડવામાં આવી શકે છે. જો કે, આવી કોઈ માહિતી હજી સુધી સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી. પણ 19મા હપ્તાનો ચાર મહિનાનો સમયગાળો ફેબ્રુઆરી મહિનામાં પૂરો થશે.
જે ખેડૂતો સરકારી નોકરી કરતા નથી અને આવકવેરો ભરતા નથી માત્ર તેઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરાઈ છે. નિયમ મુજબ પરિવારના એક જ સભ્યને આ યોજનાનો લાભ મળી શકે છે. અન્ય સભ્યોને આ યોજનાનો લાભ આપવામાં નહીં આવે. જે ખેડૂતોએ e-KYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેઓને પણ PM કિસાન યોજનાના આગામી હપ્તાથી વંચિત રખાશે.
તમે PM કિસાન યોજના માટે પાત્ર છો કે નહીં તેની તપાસ તેની ઑફિશિયલ વેબસાઈટ પર જઈને પણ કરી શકો છો. PM કિસાન યોજનાને લગતી કોઈપણ સમસ્યા પર ખેડૂતો ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. તમે PM કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર - 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. જ્યાં તમારી દરેક સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરાશે.