Vishabd | આગામી 7 દિવસ વરસાદ પડશે કે નહીં? કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગની આવી છે આગાહી આગામી 7 દિવસ વરસાદ પડશે કે નહીં? કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગની આવી છે આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

આગામી 7 દિવસ વરસાદ પડશે કે નહીં? કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગની આવી છે આગાહી

Team Vishabd by: Akash | 05:07 PM , 16 October, 2023 આગામી 7 દિવસ વરસાદ પડશે કે નહીં? કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગની આવી છે આગાહી

નવરાત્રીના તહેવારની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે ખેલૈયાઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આવામાં વરસાદ વિધ્ન ઊભું ન કરે તેની ચિંતા પણ ખેલૈયાઓને સતાવી રહી છે. પહેલા અને બીજા નોરતે રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદની આગાહી હતી, પરંતુ હવે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ કેવું રહેશે અને વરસાદ પડવાની સંભાવના છે કે નહીં? ચાલો, જાણીએ નવરાત્રી દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી સાત દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. જોકે, આગામી 24 કલાક દરમિયાન અમુક જગ્યાએ ખૂબ જ હળવો વરસાદ થઇ શકે છે. 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ખૂબ હળવો વરસાદ થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે, 24 કલાક બાદ વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે અને કોઇપણ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના નથી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. એકાદ ડિગ્રી તાપમાનમાં ફેરફાર થઇ શકે છે. પાંચ દિવસ બાદ એક-બે ડિગ્રી વધી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડા આકાર લેશે. અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને 18 ઓક્ટોબરથી એક લો પ્રેશર બનશે. 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ વાવઝોડું મજબુત હશે. તેને ઉત્તર પૂર્વીય પવનોની ગતિ મળશે. બંગાળના ઉપસાગરનો ભેજ મળશે, જેના કારણે આ સિસ્ટમ મજબુત બનશે. જેના કારણે પશ્ચિમ ઘાટ પર ગોવાથી નીચેના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ત્યારે 16 ઓક્ટોબરની સાંજે 17થી 19 ઓક્ટોબરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રેદશ તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ભારે પવન અને કરા પડવાની શક્યતા રહેશે. બેક ટુ બેક સિસ્ટમ આવશે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યાતા છે.

સબંધિત પોસ્ટ