ગુજરાત પર એક બાદ એક બે મોટી વરસાદી સિસ્ટમ આવવા જઈ રહી છે. વરસાદ હવે ભૂક્કા કાઢશે એવી આગાહીઓ શરૂ થઈ ગઈ છે. આમ પણ જુલાઈમાં ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ ન હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. આ વખતે પણ જુલાઈમાં મેઘરાજા જોરદાર જમાવટ કરી શકે છે.
આગાહીકાર નિલેશ વાલાણીના અનુમાન પ્રમાણે, બંગાળની ખાડીમાં બેક ટૂ બેક 2 સિસ્ટમ બનવાની સંભાવના છે.
વાલાણીના અનુમાન પ્રમાણે જોવા જઈએ તો, વરસાદની અછતવાળા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે.
નિલેશ વાલાણીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં હાલ જે પહેલી સિસ્ટમ સર્જાઈ રહી છે તેની અસર 15થી 20 જુલાઈ દરમિયાન ગુજરાત પર થશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે.
15 જુલાઈ બપોર બાદથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમની અસરરૂપે વરસાદ ધમાકેદાર બેટિંગ કરી શકે છે. આ સિસ્ટમની મુખ્ય અસર 16થી 18 જુલાઈએ રહેશે. 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
19 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી પણ એક સિસ્ટમ સક્રિય થવાનું વાલાણીનું અનુમાન છે. બીજી સિસ્ટમની અસરના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.