મોડી રાતથી રાજ્યમાં ફરી વરસાદે રમઝટ બોલાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જ્યારે છેલ્લા 6 કલાકમાં કલ્યાણપુર સહિતના ભાગોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આજે સોમવારે બપોરે 4 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે.
હવામાન વિભાગની આજે સોમવારે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, એટલે કે અહીં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની શક્યતા છે.
દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં 4 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે માણાવદર 6 ઇંચ, માળિયા હાટિનામાં 5 ઇંચ, ઉપલેટા અને ગીર ગઢડામાં 5 ઇંચ, વિસાવદર અને પલસાણામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત 6 કલાકમાં 22 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 34 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.