India vs Zimbabwe T20i Squad 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઝીમ્બાબ્વે સામે રમાનારી 3 મેચોની ટી-20 સિરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરિઝ માટે ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે, જ્યારે તિલક વર્મા વાઇસ કેપ્ટન રહેશે. આ ટીમ પસંદગીમાં સૌથી ચોંકાવનારો નિર્ણય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને બહાર રાખવાનો છે. તેની જગ્યાએ ટીમમાં આઈપીએલના ધુરંધર ખેલાડીઓની એન્ટ્રી થઈ છે, જ્યારે હાર્ડ હિટર રિન્કુ સિંહની ટીમમાં વાપસી થઈ છે.
આ પ્રવાસ માટે પસંદગીકારોએ યુવા ખેલાડીઓ પર મોટો ભરોસો મૂક્યો છે. આઈપીએલ સ્ટાર પ્રભસિમરન સિંહ ઉપરાંત ફાસ્ટ બોલર અશોક શર્મા અને યશ ઠાકુરને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય, તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પણ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તે અભિષેક શર્માની સાથે ઓપનર તરીકે ટીમમાં જોવા મળશે.
શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
ઈંગ્લેન્ડ સામેની બીજી T20 દરમિયાન સંજુ સેમસનને પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેના સ્થાને વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ આપવામાં આવ્યું હતું. સંજુની બાદબાકી બાદ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. સંજુએ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, “પ્લેયર ઓફ ધ સિરીઝનો” એવોર્ડ પણ જીત્યો હતો, પરંતુ હવે તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
પંજાબ કિંગ્સના વિસ્ફોટક ઓપનર અને વિકેટકીપર પ્રભસિમરન સિંહને તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. પ્રભસિમરને તેની ટી-20 કરિયરની 129 મેચોમાં 151.50 ના સ્ટ્રાઈક રેટથી 3665 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 27 અર્ધસદી સામેલ છે.
ભારતના સૌથી ઝડપી બોલરોમાંથી એક એવા મયંક યાદવની અંદાજે 2 વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી થઈ છે. તેની સાથે પ્રિન્સ યાદવને પણ ટીમમાં સામેલ કરાયો છે, જે પેસ એટેકની જવાબદારી સંભાળશે. સ્પિન વિભાગની કમાન વરુણ ચક્રવર્તીના હાથમાં રહેશે.