Hardik Pandya: હાર્દિક પંડ્યાએ પોતાના ક્રિકેટ કરિયરને લાંબું ખેંચવા માટે એક એવો નિર્ણય લીધો છે, જે અત્યાર સુધી કોઈ મોટા ભારતીય ક્રિકેટરે લીધો ન હતો. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના ક્રિકેટ કરિયરને લાંબુ ખેંચવા અને ફિટનેસ સુધારવા માટે મુંબઈ છોડીને કાયમી ધોરણે બેંગલુરુ શિફ્ટ થવાનો મોટો નિર્ણય લીધો છે. તેઓ હવે બેંગલુરુમાં આવેલી BCCIની સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ને પોતાનો કાયમી ટ્રેનિંગ બેઝ બનાવશે. આ માત્ર શહેર બદલવાનો નિર્ણય નથી, પરંતુ ઈજાઓથી સતત ઝઝૂમી રહેલા હાર્દિકની સમગ્ર ક્રિકેટ રણનીતિ બદલનારું પગલું છે.
મુંબઈ છોડવાનો કેમ લીધો નિર્ણય?
હાર્દિક મૂળ વડોદરાનો રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં રહેતો હતો. ત્યાં હાર્દિક મુખ્યત્વે મુંબઈ ઈન્ડિયન્સના હાઈ-પર્ફોર્મન્સ સેન્ટરમાં પ્રેક્ટિસ કરતો હતો. ઘરથી રોજ ટ્રેનિંગ માટે લાંબી મુસાફરી કરવી તેના માટે મુશ્કેલ બની રહી હતી.
નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ
કારણસતત ઈજાઓની સમસ્યા: હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પીઠ, ઘૂંટી અને હાલમાં ક્વાડ્રિસેપ્સ (Quadriceps) ની ઈજાઓથી ઝઝૂમી રહ્યા છે. ઈજાના કારણે જ તેઓ તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયા હતા.
હાર્દિક પંડ્યાએ ઘર ભાડે લીધું
બેંગલુરુ સ્થિત COEમાં તેને વિશ્વસ્તરીય મેડિકલ, રિકવરી, ફિટનેસ અને સ્કિલ ટ્રેનિંગની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે, તેમણે બેંગલુરુની બહારના વિસ્તારમાં COEની નજીક એક ઘર ભાડે લીધું છે અને તેને પોતાનું કાયમી ટ્રેનિંગ બેઝ બનાવી લીધું છે.
ભારત માટે 5 થી 6 વર્ષ રમશે
હાર્દિક આ પરંપરાને બદલનારો પહેલો મોટો સક્રિય ભારતીય ક્રિકેટર બન્યો છે. હવે તેમની નિયમિત પ્રેક્ટિસ, રિકવરી અને ફિટનેસ પ્રોગ્રામ આ જ સેન્ટરથી સંચાલિત થશે. સૂત્રોનું કહેવું છે કે, હાર્દિક આગામી 5થી 6 વર્ષ સુધી ભારત માટે વ્હાઇટ-બોલ ક્રિકેટ રમવા માંગે છે અને તે જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે.
પર્સનલ ટીમ પણ રહેશે સાથે
COEની સુવિધાઓ ઉપરાંત હાર્દિક પોતાના પર્સનલ ફિઝિયોથેરાપિસ્ટ અને પર્સનલ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ સાથે પણ કામ કરશે. એટલે કે, BCCIની વૈજ્ઞાનિક વ્યવસ્થા અને તેની પર્સનલ સપોર્ટ ટીમ બન્ને મળીને તેની ફિટનેસ પર સતત નજર રાખશે. રસપ્રદ વાત એ પણ છે કે, જ્યારે હાર્દિક નેટ્સમાં COE દ્વારા બોલાવવામાં આવેલા બોલરો સામે વધારાની બેટિંગ પ્રેક્ટિસ કરે છે, ત્યારે તેનો ખર્ચ પણ પોતે જ ઉઠાવે છે.
હાલમાં ઈજામાંથી થઈ રહ્યો છે સ્વસ્થ
32 વર્ષનો હાર્દિક હાલમાં ક્વાડ્રિસેપ્સ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ જ ઈજાના કારણે હાર્દિક ભારતના હાલના UK પ્રવાસમાંથી બહાર છે. છેલ્લા છ મહિનામાં તેમણે COEમાં રિહેબિલિટેશન અને ફિટનેસ ટ્રેનિંગમાં ઘણો સમય વિતાવ્યો છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ પર વાપસી કરી શકે તેજી શક્યતા
ભારતના UK પ્રવાસ બાદ ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 મેચોની સિરીઝ રમાવાની છે. જો કે, હાર્દિકની વાપસી હજુ નક્કી નથી. તેની પસંદગી ત્યારે જ શક્ય બનશે જ્યારે તે BCCIના Return-to-Play Protocolને સફળતાપૂર્વક પૂર્ણ કરી લેશે અને મેડિકલ ટીમ તેને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરશે.
પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, હાર્દિક પંડ્યાએ પોતાના કરિયરના બીજા તબક્કાની શરૂઆત કરી દીધી છે. મુંબઈથી બેંગલુરુની આ સફર માત્ર સરનામું બદલવાની નથી, પરંતુ ફિટનેસને પ્રાથમિકતા આપીને ભારતીય ક્રિકેટમાં એક નવી કાર્યસંસ્કૃતિ (work culture) સ્થાપિત કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહી છે.