સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દારૂ પીવો શરીર માટે સુરક્ષિત નથી. લાંબા સમય સુધી એવી માન્યતા હતી કે ઓછી માત્રામાં કે મર્યાદિત દારૂ પીવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને તાજેતરના તબીબી સંશોધનોએ આ વાતને સંપૂર્ણપણે નકારી દીધી છે. આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ દરરોજ માત્ર એક આલ્કોહોલિક ડ્રિંક પણ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારી શકે છે, જે લાંબા ગાળે હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર હૃદયરોગનું જોખમ વધારી શકે છે.
જો તમે એવું વિચારતા હોવ કે રોજ માત્ર એક નાનો પેગ કે ઓછી માત્રામાં દારૂ પીવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી, તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે. એક આંતરરાષ્ટ્રીય રિસર્ચ અનુસાર, દરરોજ માત્ર એક આલ્કોહોલિક ડ્રિંક પણ તમારા સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર કરી શકે છે.
જેમ-જેમ વ્યક્તિની રોજિંદી આલ્કોહોલ લેવાની માત્રા વધે છે, તેમ-તેમ તેના સિસ્ટોલિક બ્લડ પ્રેશર માં પણ નોંધપાત્ર વધારો થાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો, સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે કે જ્યારે આપણું હૃદય શરીરના અન્ય અંગોમાં રક્ત પંપ કરે છે ત્યારે રક્તવાહિનીઓ પર પડતું મહત્તમ દબાણ.
WHO ના જણાવ્યા અનુસાર, આલ્કોહોલ એ એક ઝેરી પદાર્થ છે. તમે ગમે તેટલી ઓછી માત્રામાં દારૂ પીઓ, તેની શરીર પર કંઈક અંશે નકારાત્મક અસર પડે જ છે. દારૂના ટીપે-ટીપા સાથે સ્વાસ્થ્ય બગડવાનું જોખમ શરૂ થઈ જાય છે. ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરનારા લોકોમાં પણ બ્લડ પ્રેશરમાં હળવો પરંતુ સતત વધારો નોંધાયો હતો. શરૂઆતના તબક્કે આ ફેરફાર કદાચ બહુ મોટો ન લાગે, પરંતુ લાંબા ગાળે તે હૃદય અને રક્તવાહિનીઓ (Blood Vessels) પર ભારે દબાણ ઊભું કરે છે. આ અવિરત દબાણ આગળ જતાં હૃદય રોગ અને અન્ય જીવલેણ બીમારીઓ તરફ દોરી જાય છે.
વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે મર્યાદિત પ્રમાણમાં (જેમ કે રોજનો માત્ર ૧ પેગ) દારૂ પીવાથી પણ સ્તન કેન્સર (Breast Cancer), ગળાનું કેન્સર અને લીવરની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. દારૂને સત્તાવાર રીતે કેન્સર પેદા કરતા પદાર્થો (Carcinogens) ની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.
મેડિકલ ગાઈડલાઈન્સ સામાન્ય રીતે પુરૂષો માટે દિવસના વધુમાં વધુ ૨ સ્ટાન્ડર્ડ ડ્રિંક અને મહિલાઓ માટે ૧ સ્ટાન્ડર્ડ ડ્રિંકની સલાહ આપે છે (જેને 'મોડરેટ ડ્રિંકિંગ' કહેવાય છે). પરંતુ આ મર્યાદા માત્ર "જોખમ ઘટાડવા" માટે છે, તે સંપૂર્ણપણે "સુરક્ષિત" છે તેની કોઈ ગેરંટી નથી.
મહત્વની નોંધ: જો તમે બિલકુલ દારૂ નથી પીતા, તો સ્વાસ્થ્ય સુધારવાના બહાને તેને શરૂ કરવાની ભૂલ ક્યારેય ન કરશો. વ્યાયામ અને સારો ખોરાક સ્વાસ્થ્ય માટે દારૂ કરતાં હજારો ગણો વધુ સારો વિકલ્પ છે.