નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને તેમાં પોટેશિયમ સહિતના ઘણા જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ મળી આવે છે. ઉનાળામાં લોકો તાજગી અને ઉર્જા મેળવવા માટે તેને પીવાનું પસંદ કરે છે. બાળકોથી લઈને વડીલો સુધી, મોટાભાગના લોકો નારિયેળ પાણીને એક હેલ્ધી ડ્રિંક માને છે. પરંતુ શું તમે જાણો છો કે તે દરેક વ્યક્તિ માટે એકસરખું ફાયદાકારક હોતું નથી?
તંદુરસ્તી માટે ખૂબ જ ગુણકારી મનાતું નારિયેળ પાણી કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને કિડનીની બીમારી, ડાયાબિટીસ, લો બ્લડ પ્રેશર અને શરદીની સમસ્યા ધરાવતા લોકોએ આનું સેવન કરતા પહેલા ચોક્કસ સાવધાની રાખવી જરૂરી છે.
કેટલાક લોકોને નારિયેળ અથવા તેનાથી બનેલી પ્રોડક્ટ્સથી એલર્જી હોઈ શકે છે. આવા લોકોને નારિયેળ પાણી પીવાથી ત્વચા પર રૅશસ (લાલ ચામડી થવી), પેટની તકલીફ અથવા ગંભીર કિસ્સાઓમાં એલર્જિક રિએક્શન આવી શકે છે. તેથી એલર્જીની સમસ્યા હોય ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે.
નારિયેળ પાણીમાં પોટેશિયમની માત્રા ખૂબ જ વધારે હોય છે, જે કિડનીને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમને પહેલાથી જ કિડનીની કોઈ સમસ્યા અથવા બિમારી હોય છે, તો તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ નારિયેળ પાણીનું સેવન કરવું જોઇએ.
નાળિયેર પાણીમાં વધારે કેલરી હોય છે. તેથી વધારે પ્રમાણમાં નાળિયેર પાણીનું સેવન કરવાથી શરીરમાં કેલરી તો વધશે જ સાથે જ તમારું વજન (obesity) પણ વધશે.
નારિયેળ પાણી કુદરતી રીતે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરની દવા લઈ રહી હોય, તો નારિયેળ પાણી પીવાથી તેનું બ્લડ પ્રેશર જરૂરિયાત કરતાં વધુ ઘટી શકે છે. આનાથી ચક્કર આવવા, નબળાઈ લાગવી કે બેભાન થઈ જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જો કે નારિયેળ પાણીમાં રહેલી શુગર કુદરતી (નેચરલ) હોય છે, તેમ છતાં તેમાં ખાંડની માત્રા તો હોય જ છે. ડાયાબિટીસના દર્દીઓ જો વધુ માત્રામાં નારિયેળ પાણી પીવે છે, તો તેની અસર તેમના બ્લડ શુગર લેવલ પર પડી શકે છે. તેથી તેને પોતાના ડાયટમાં સામેલ કરતા પહેલાં ડોક્ટર અથવા ડાયેટિશિયનની સલાહ લેવી વધુ હિતાવહ છે.