તલ બજારમાં ઘણા સમયથી અનિશ્ચિતતા ભર્યો માહોલ હતો, કેટલું ઉત્પાદન થશે, વરસાદથી કેટલું નુકસાન થયું તે અંગે અવઢવભરી સ્થિતિ જોવા મળતી હતી, ત્યારે સપ્તાહના અંતે IOPEPC દ્વારા ગુજરાતમાં 21 હજાર ટનના ઉત્પાદનનો લક્ષ્યાંક મુકાતા હવે આ લક્ષ્યાંક અનુસાર ગણતરીઓ શરૂ થઇ ગઇ છે. ગત સપ્તાહ સામે આ સપ્તાહે તલમાં સફેદ અને કાળા બન્નેમાં અનુક્રમે પ્રતિ મણે રૂ.30 અને રૂ.60ની તેજી જોવા મળી હતી.
બ્રોકરો એવો પણ વસવસો કરતા હતા કે, તલમાં તેજી ટકતી નથી, સફેદ તલ રૂ.2100ના ઊંચા મથાળેથી ચાર વખત નીચે આવ્યા તો કાળા તલ પણ ઊંચા મથાળે રૂ.2675 સુધી પહોંચ્યા બાદ પટકાયા હતા. હાલ એકંદરે બજારમાં વેઇટ એન્ડ વોચનો માહોલ જોવા મળી રહ્યો છે.
તલ બજાર સાથે સંકળાયેલા અગ્રણી બ્રોકરો કહે છે કે, તલ બજારમાં હાલ એક્સપોર્ટરો અને હલ્ડવાળાની ખરીદી સારી હતી. કોરિયાના શીપમેન્ટની બાકી રહેલી ખરીદી વચ્ચે યાર્ડો પણ એકંદરે સારા રહે છે. ગત સપ્તાહ સામે આ સપ્તાહની રૂખનું વિહંગાવલોકન કરીએ તો ગયા સપ્તાહે સફેદ તલમાં કુલ 28600 મણની આવકો હતી, જેની સામે પ્રવર્તમાન સપ્તાહે 32800 મણની આવક તેમજ કાળા તલમાં ગત સપ્તાહે 11500 મણની આવક હતી જેની સામે પ્રવર્તમાન સપ્તાહે 14000 મણની આવકો નોંધાઇ છે.
સફેદ તલમાં સાપ્તાહિક સૌથી નીચો રૂ.1925 અને ઊંચામાં રૂ.2100નો ભાવ બોલાયો હતો. તો કાળા તલમાં નીચામાં રૂ.2175 અને ઊંચામાં રૂ.2660નો ભાવ બોલાયો હતો. આખા અઠવાડિયા દરમિયાન સફેદ અને કાળા બન્ને તલોમાં વિવિધ કારણો અનુસાર રૂ.10 થી લઇ રૂ. 50 સુધીની વધ-ઘટ જોવા મળી હતી